છેલ્લા ૪૮ કલાકથી અમરેલીમાં અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદ ના કારણે અનેક લોકોને મોટી તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રાજુલાના ધાતરવાડી ડેમ-2માં પાણીની ભારે આવક થઈ છે.જેના પગલે ડેમના 10 દરવાજા ખોલાયા છે. જાફરાબાદના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ જામ્યો છે. ધોધમાર વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ખાખબાઇ, વડ, છતડિયા, હિંડોરણા, રામપરા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત લોઠપુર, કોવાયા અને ઉછેયા સહિતના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે માછીમારો ને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
હાલ અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનો માહોલ છે. તેવામાં દરિયામાં પણ ભારે તોફાનની સ્થિતિ છે. જેના કારણે અત્યાર સુધી 3 બોટ ડૂબી ચૂકી છે. ગઇ કાલે જાફરાબાદની દેવકી બોટ 10 ખલાસી સાથે આવતી હતી. ત્યારે ડૂબી અન્ય બોટ દ્વારા 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું. જોકે હજી 3 લાપતા છે. આમ અત્યાર સુધી 3 બોટ ડૂબી જવાની ઘટના બની છે. હાલ, જાફરાબાદ બંદરથી મધદરિયામાં ભારે તોફાનથી સ્થિતિ ગંભીર છે. જેથી રેસ્ક્યુ પણ મુશ્કેલ બન્યું છે.
અમરેલીના લાઠી તાલુકાના જરખીયા, ટોડા, અડતાળા, ખીજડીયા અને હરિપુરા જેવા ગામોમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે જરખીયા ગામની જરખડી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરાંત, લાઠીનું પ્રખ્યાત ધનજીદાદા ધોળકિયા સરોવર ઓવરફ્લો થઈ ગયું છે. આ સરોવર ઓવરફ્લો થવાથી લાઠી, ગોવિંદપુર, પિપરિયા, કેરિયા અને દેવળીયા સહિત 10 ગામોના ખેડૂતોને વર્ષમાં ત્રણ પાક લેવાનો ફાયદો થશે.
રાજુલાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ખેરા, પટવા અને ચાંચબંદર ગામો સંપર્કવિહોણા બન્યા છે. સમઢિયાળા ગામનો બંધારો ઓવરફ્લો થતાં આ ત્રણ ગામોને જોડતો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે ઇમરજન્સી સેવાઓ જેવી કે 108ને પણ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ સરકાર પાસે આ સમસ્યાના કાયમી નિવારણ માટે બ્રિજ બનાવવાની માંગ કરી છે.
Recent Comments