ગુજરાત

દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદી માહોલ; માત્ર ૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ

સમગ્ર રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે, દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં, બપોરે ૨ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દ્વારકા સહિત રાજ્યના ૮ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ૧૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખાસ કરીને યાત્રાધામ દ્વારકામાં વરસાદનું જાેર એટલું હતું કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ શરૂ થતાની સાથે જ ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા હતા.
મન્ગ્લ્વારે બપોરે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં ૨૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ૨ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના માંડવીમાં ૧.૬૧ ઇંચ, જામનગરના જામજાેધપુરમાં ૧.૪૨ ઇંચ, કચ્છના નખત્રાણામાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં સરેરાશ ૧ ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
દ્વારકા શહેર ઉપરાંત જામ કલ્યાણપુર અને લાંબા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. કારણ કે આ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નવજીવન આપશે.
દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોકમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વહેતા વરસાદી પાણીનો અદભુત નજારો જાેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. જામ કલ્યાણપુર અને લાંગા જેવા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા, લાંબા, ધૂમથર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.

Related Posts