ઈમારત પડી રહી છે
ઇતિહાસની કડી તૂટી રહી છે,
તંત્રની ઊંઘમાં સાવરકુંડલાની આ વિરાસત લૂંટાઈ રહી છે.
પથ્થરો પણ પૂછે છે હવે તો ન્યાયનો એ સમય ક્યારે?
જ્યાં વીરતા વસી હતી, એ
દીવાલો આજે ખુદ ધ્રૂજી રહી છે.
–“પાંધી સર
સાવરકુંડલા શહેરની શાન અને કાઠિયાવાડના શૂરવીર જોગીદાસ ખુમાણની સ્મૃતિઓ સાથે જોડાયેલો ઐતિહાસિક દરબારગઢ આજે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યો છે. એક તરફ શહેરને ‘સુવર્ણ કુંડલા’ બનાવવાની વાતો અને નાવલી નદીને પુનર્જીવિત કરવાના અભિયાનો ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરની આ અમૂલ્ય ધરોહર તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે ધરાશાયી થવાની અણી પર છે.
સ્થાનિક એડવોકેટ અને પર્યાવરણ પ્રેમી ઝુબેર એમ. ચૌહાણ દ્વારા વર્ષ ૨૦૨૦માં ચીફ ઓફિસર, કલેક્ટર અને પ્રવાસન મંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં દરબારગઢના તાત્કાલિક સમારકામ અને ત્યાં જોગીદાસ ખુમાણની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ પાંચ વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં તંત્ર તરફથી કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
વર્તમાન સ્થિતિ એટલી ગંભીર છે કે દરબારગઢનો મોટો હિસ્સો જર્જરિત થઈ ચૂક્યો છે અને તેની દીવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. જો થોડા વર્ષો પહેલા સમારકામ થયું હોત તો પરિસ્થિતિ આટલી વણસી ન હોત. એક તરફ એસ.ટી. તંત્ર પોતાના જૂના ડેપોની જગ્યા સુરક્ષિત કરવા દીવાલો ચણી રહ્યું છે, ત્યારે ઐતિહાસિક વિરાસતની રખેવાળી કરવામાં નગરપાલિકા કેમ પાછી પાની કરી રહી છે? તેવા અણિયાળા સવાલો જનતા પૂછી રહી છે.
લોકોની માંગ છે કે આ વિરાસતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિક રોજગારી વધશે અને નવી પેઢીને શૂરવીરતાના ઇતિહાસની જાણ થશે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર પોતાની આળસ ખંખેરીને આ બાબતે કોઈ નક્કર કામગીરી કરે છે કે પછી આ ઐતિહાસિક ઈમારત માત્ર કાગળો પર જ રહી જશે












Recent Comments