ભારતમાં અમેરિકન દૂતાવાસે આવા વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. આ બાબતે દૂતાવાસે કહ્યું હતું કે, અમેરિકામાં અભ્યાસ માટેનો વિઝા લઈને યુનિવર્સિટીના ક્લાસમાં નિયમિત હાજરી નહીં આપનારા વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેવાશે અને તેમના પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે.
અમેરિકન દૂતાવાસે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને વિઝાની શરતોને વળગી રહેવા અને કોઈપણ મુશ્કેલી ટાળવા માટે તેમનો વિદ્યાર્થીનો દરજ્જાે જાળવી રાખવા જણાવાયું હતું.
દૂતાવાસે જણાવ્યું હતું કે, તમે તમારી કોલેજ-યુનિવર્સિટીને જાણ કર્યા વિના ક્લાસમાં નિયમિત હાજરી નહીં આપો, અભ્યાસ વચ્ચેથી છોડી દેશો અથવા ડ્રોપઆઉટ લેશો તો તમે ભાવી અમેરિકન વિઝા મેળવવાની લાયકાત ગુમાવી શકો છો. તમારા વિઝાની શરતોનું ચુસ્તતાપૂર્વક પાલન કરો. અમેરિકન યુનિવર્સિટીઓ તરફ ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આકર્ષાઈ રહ્યા છે.એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૩માં અમેરિકન કોન્સ્યુલરની ટીમે ભારતમાં ૧.૪૦ લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા ઈશ્યુ કર્યા હતા, જે અન્ય કોઈપણ દેશ કરતાં સૌથી વધુ હતા અને તેણે સતત ત્રીજા વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીનો વિક્રમ સર્જ્યો હતો. આ જ વર્ષે યુએસ મિશને ભારતમાં ૧૪ લાખ વિઝાની પ્રક્રિયા કરી હતી.
એફ-૧ વિઝા વિદ્યાર્થીઓને કોલેજ, યુનિવર્સિટી, શૈક્ષણિક હાઈ-સ્કૂલ અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાઓના પૂર્ણ કાલીન વિદ્યાર્થી તરીકે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપે છે. જે વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે વ્યક્તિને અમેરિકામાં એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. એપ્રિલ ૨૦૨૫માં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમેરિકામાં ભારતીય મિશન્સ વિઝા રદ થવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને તેમને શક્ય મદદ કરે છે.
ટ્રમ્પ સરકારે ફેડરલ એજન્સીઓને હાર્વર્ડ યુનિવર્સિટી સાથેનો ૧૦ કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ રદ કરવા જણાવ્યું છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. ટ્રમ્પ સરકારે અગાઉ જ આઈવી લીગ સ્કૂલ માટે ફેડરલ રિસર્ચની ગ્રાન્ટમાં ૨.૬ અબજ ડોલરથી વધુનો કાપ મૂક્યો છે. યુનિવર્સિટી સાથે તેના કરારોની પુન: સમીક્ષા કરવા અને વૈકલ્પિક વેન્ડર્સ શોધવા માટે એજન્સીઓને જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન તરફથી એક પત્ર મળ્યો છે. ટ્રમ્પ તંત્ર આ પ્રકારનો એક પત્ર યુનિવર્સિટીને મોકલવા માગે છે તેમ એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ સામે ઘર્ષણ ઉગ્ર બનાવ્યું છે અને દેશની સૌથી જૂની અને સમૃદ્ધ યુનિવર્સિટીને ડાબેરી અને યહૂદી વિરોધી ભાવનાઓનું કેન્દ્ર ગણાવી હતી. યુનિવર્સિટીના નેતૃત્વ, સંચાલન અને વહીવટી નીતિઓમાં ફેરફાર માટે ટ્રમ્પ સરકારની માગણીના વિરોધમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ ૨૧ એપ્રિલે કોર્ટમાં કેસ કર્યો હતો.
અમેરિકન દૂતાવાસની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી, અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ જાે ક્લાસમાં ગેરહાજર રહેશો તો વિઝા રદ થશે, કાયમી પ્રતિબંધ પણ શક્ય

Recent Comments