ગુજરાતશૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ વૈવિધ્યસભર પ્રકલ્પો અને કાર્યક્રમો માટે જાણીતી સંસ્થા છે.શિક્ષણ, સાહિત્ય,સાંસ્કૃતિક ધરોહર,મૂલ્ય સંવર્ધન અને સાંપ્રત તાસીર આધારિત સંગોષ્ઠિ માધ્યમ થકી વિવિધ વિષયો સાથે સહિયારું વૈચારિક આદાનપ્રદાન કરી, જનસમાજને ઉપકારક કંઈક વિચાર ભાથું પીરસતું રહે છે.આવા અનેક પ્રકારના પ્રેરક ઉપક્રમો અને આયોજનથી મંચ તેની અલગ ઓળખ ઊભી કરી શક્યું છે.જેનો આનંદ છે.
□ બાલ કેળવણીક્ષેત્રે મંચ માધ્યમથી કંઈક કામ થાય એ સાંપ્રત સમયની આવશ્યકતા છે એવો વિચાર સંયોજકશ્રી ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ આ. તખુભાઈ સાંડસુરને આવ્યો.શિક્ષણની ચિંતાજનક સ્થિતિ, ટેકનોલૉજી અને મોબાઈલની અટપટી માયા,વડીલોની મર્યાદાઓ,યંત્રવત્ જીવન,અર્થ પ્રાપ્તિની ઘેલશા વગેરે વગેરેમાં બાળ ઉછેર તરફ કાળજીનો સતત અભાવ વર્તાયો.વાર્તાકથન વિસારે પડ્યું.વાર્તા માધ્યમથી બાળ ઘડતરની ધરી અસ્તિત્વ ગુમાવવાના ઓવારે દેખાઈ.આવી વિકટ પળે મંચ આ દિશામાં કશુંક ઉદ્દીપન ન કરી શકે? આ વિચારને કાર્યમાં બદલવાનાં ચક્રો ગતિમાન થયાં.એ સમયે બાલસાહિત્યકાર જીવરામ જોષીની 121 જ્યંતીએ પ્રેરણાનું ઈજન પુરું પાડ્યું.તા.6/7/2025 (છઠ્ઠી જૂલાઈ)ના દિવસથી શુભારંભ થાય એ અંગે આયોજન વિચારાયું.આહવાન માટે ગુજરાત કક્ષાએ લીંક મૂકાઈ. લીંક ભરી, મંચના 18 જિલ્લા સંયોજકોના સહયોગે ગુજરાતના 22 જિલ્લાના 72 બાલવાર્તા કથન માટેના પ્રેરક પ્રવક્તાઓની યાદી તૈયાર કરી.શ્રીમાન અશ્વિનભાઈ અણદાણી અને સ્વામીજીના પ્રયત્નોથી SGVP શિક્ષણ સંકુલ વૈષ્ણોદેવી અમદાવાદ ઉદ્ઘાટન સમારોહ સત્ર માટે યજમાન બન્યું. દરેક પ્રવક્તાઓને ઓળખકાર્ડ,વાર્તાકથનને આવકારતી શાળાઓને પ્રમાણપત્ર અને કાર્યક્રમ બેનર વગેરે મળે એમ તૈયાર કર્યાં.સહભાગી સાધકોને અગાઉથી કાર્યક્રમની રુપરેખા, સમય મર્યાદા આપી દેવાઈ.
” હું ચરણ માંડુંને રસ્તો
બને,……..વીજળી ઝબકે
અને નકશો બને.” હર્ષદ ભ્રહ્મભટ્ટ.
□ નિર્ધારીત તારીખે કાર્યક્રમને અનુરુપ અને ઉદ્દેશને યોગ્ય એવા વિષયો નક્કી થયા.એમાં એવા જ મહેમાનોનો મીઠો આદર મળ્યો. સંત આ.યજ્ઞવલ્લભ સ્વામિ, બાળ સાહિત્યકાર
આ.યશવંતભાઈ મહેતા,આ.ભાર્ગવભાઈ જોષી,પ્રાપ્તિ અજવાળિયા,સુખદેવભાઈ પટેલ, શ્રદ્ધાબેન,નિષાદ ઓઝા,સચિવશ્રી ગુજરાત મા.શિક્ષણ અને પરિક્ષણ આ. પુલકિતભાઈ જોષી વગેરેના ઉચિત વક્તવ્યો થકી શુભારંભ શોભી ઊઠ્યો.તજજ્ઞ વક્તાઓના મુખે બાલવાર્તા સંબંધિત તલસ્પર્શી જ્ઞાનનો લાભ મળ્યો.જોગાનુંજોગ એ અરસામાં તંત્રની ‘બેગલેસ ડે’ની જાહેરાત થઈ.
□ કોઈ પણ કાર્યના પ્રારંભ પહેલાં અભિયાન અંગે કાલ્પનિક અંતરાયો અને પ્રબળતાઓ તરફ મિશ્ર લાગલીઓ ઉદ્ભવે જ.એવું કંઈક અમને થયું અને નકારાત્મક થોડો, સકારાત્મક અધિક પ્રત્યક્ષ અનુભવ થયો.
●નકારાત્મક બાબતો.
અધકચરી સમજણે ‘સમય બગડશે’ એવું લેબલ ન લાગે. . શાળાઓની સહમતિ કેવી મળશે ? * વાલીઓ શું વિચારશે ? * સમાજમાં કેવા પડઘા પડશે? વગેરે વગેરે.* વિભક્ત કુટુંબ અને વૃદ્ધોની વેદના સાંભળતાં વિકાસની આંધળી દોટે દાટ વાળ્યાનું દર્દ બહાર આવ્યું.* નર તથા નારી બંન્ને પક્ષે સહનશક્તિની મર્યાદાઓ ઘટતી જાય છે જેની અસર બાળકો ઉપર વર્તાય છે.* શિક્ષિત સજોડાં અને શહેરી ઉછેરની પેઢીમાં આપણી પરંપરાઓ કે સાંસ્કૃતિક મૂલ્યોનું ધોવાણ વધુ છે. શિક્ષિત બેકારી અને આર્થિક સંઘર્ષમાં અકાલ્પનિક બદીઓ ઘર કરતી જાય છે.મોબાઈલ અને ટેકનોલૉજીના અધકચરી સમજણના પગ વધુ ખરડાયાનું રટણ લોકજીભે સંભળાયું. ● સકારાત્મક પરિબળો. ‘બેગલેસ ડે’નો વિકલ્પ મળ્યો.કંઈક નવું જાણવા,જોવા, કરવા, શીખવા- અનુભવવા મળશે એ વિચારે હકારાત્મક હાકલો સોંપડ્યો.બાળકો, શિક્ષકો, વાલીઓ,વૃદ્ધો, વડીલો, કેળવણીકારો અને શિક્ષણવિદો તરફે જીવન ઘડતરનો આશાવાદ પેદા થયો.* પુન: નવતર આશાવાદ પ્રયોગ.
□ અભિયાનની એક વિચારાત્મક અસર બાબતે ભાવિ સાવધાની !!
દરેક વક્તા, શિક્ષક કે વાર્તા કથનકર્તાઓએ ધ્યાનમાં રાખવું જ જોઈએ કે આ અભિયાન એ સરવાળે અન્ય વિષયોનો વિકલ્પ ન બની જાય.આ પ્રકલ્પ અભિયાન માત્ર વિષય શિક્ષણનો પ્રેરક અને પ્રોત્સાહક ભાગ છે.સર્વસ્વ નથી.
□ બાળવાર્તા અભિયાનમાં સમગ્ર ગુજરાતમાંથી મંચની લીંક આધારિત 58 પ્રેરક પ્રવક્તાઓ મારફત 332 શાળાઓના લગભગ 59997 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા.( મને લાગે છે કે આ આંકડો હજી વધી શકે.કેટલાક લીંક ભરવામાં કોઈ કરણે ચૂક્યા છે.)આ આંકડા અભિયાન પખવાડા સમાપન ઉજવણી નિમિત્તે લીંક આધારિત છે.કામ તો જરૂરત પ્રમાણે આગળ ચાલતું જ રહેશે.આ કાર્ય એ એક દીપ પ્રજ્વલનનું હતું.જ્યોત વ્યાપકપણે વિસ્તૃત બનતી રહેશે એવો આશાવાદ છે.
□ બાલવાર્તા અભિયાનના ફાયદાઓ.
* શાળા સ્ટાફ અને આચાર્યશ્રીઓ ખુશ.* વડીલો અને વૃદ્ધોનો નાભીનાદ, “ખૂબ મોડું થઈ ગયું છે.પણ…હાં! તમારો શું દોષ? છતાં જાગ્યા ત્યારથી સવાર.સારું કામ છે, ભગવાન સફળતા આપશે.” વાર્તાકથનકારો અને શિક્ષણ સંલગ્ન વ્યક્તિઓના પારસ્પારિક જોડાણથી એકમેકને ઘણું બધું નવું શીખવા મળ્યું. જેમ કે વ્યવસ્થાપન, કાર્યપદ્ધતિ, શિસ્ત, સંચાલન, જનતા સાથે તાદાત્મ્ય. આયોજન અને આવડત વગેરે વગેરે. પ્રત્યક્ષ નિરીક્ષણ કરનાર વાલીઓ રાજી રાજી દેખાયાં.* અન્યોન્ય આત્મિક નાતો કેળવી સંપર્ક માટે ઉત્સુક દેખાયાં. બાળકો-વિદ્યાર્થીઓ-સાંભળવા તત્પર દેખાયાં. ખૂબ રાજી થતાં.* પ્રથમ શ્રોતા,પછી જિજ્ઞાસુ, પછી પ્રશ્ન કર્તા બાદમાં વાચક, વક્તા બની અંતે કંઈક લેખિતકાર્યે દ્રઢ થવા ઉત્સુક થતાં જોયાં.* માનવીય સંવેદનાઓમાં ભીંજાતાં થયાં.* વાર્તાકારને ઝાંપા સુધી વળાવવા ઉત્સુક દેખાયાં.* પુન: પધારવા ભાવુક જણાયાં. * સ્મરણશક્તિ ઉપર અસર પડી.* વિવેકાધિન આદર્શો તારવવા તરફ મન પરોવાયું.* શબ્દભંડોળ વધતાં શ્રવણ અને ગ્રહણ શક્તિ મજબૂત થવા લાગી.* એની એક નોંધનીય અસર એ ફળી કે શબ્દ ઉચ્ચારણ શુદ્ધ બનતું લાગ્યું. * એકાગ્રતા તરફ સક્રિયતા વધી.* મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક અસર વરતાઈ. દા.ત.વાર્તામાંના શબ્દો,રુઢિપ્રયોગો કે કહેવતો વગેરે વગેરેને સામાન્ય વાતચીત વખતે ક્યાં વાપરી શકાય ? એ સમજતાં થયાં.* કેટલાંક છાત્રોમાં વાર્તાનાં પાત્રો, પ્રસંગ કે સંવાદ આધારિત મનમાં એવા પ્લોટ,જગ્યા અને કથનની કલ્પનાઓ ઊઠતી અનુભવાઈ.* સમાજના પર્વો, તહેવારો, રીત-રિવાજો,ખાનપાન,પ્રસંગો,ઘટનાઓ,વિસ્તાર અનુસાર બોલાતી વિવિધ પ્રાદેશિક બોલીઓ- માતૃભાષા સિવાય અન્ય ભાષાઓ, ભાષાકીય સૌંદર્ય માટે (ગીત,ગઝલ, છંદ,અલંકાર,શબ્દભેદ વગેરે ) ભાષા પ્રયોજન સામગ્રી તથા સંવાદ મુજબ શબ્દ ઉચ્ચારણ, આરોહ અવરોહ અને હાવભાવ વગેરે તરફ ધ્યાન ખેંચાઈ ‘હવે શું ? કેમ ? કેવી રીતે’નાં કલ્પન સ્ફૂરતાં અનુભવાયાં.* વારસા અને સંસ્કૃતિનું મૂલ્ય તારવવા સમજણ વધી.* વિવેક જાળવવો, જૂઠ ન બોલવું, આમન્યા જાળવવી,આજ્ઞાકારી બનવું, સાદગી, સફાઈ, શ્રમ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતી અને સૃષ્ટિનાં અન્ય સજીવો પ્રત્યે લાગણી વગેરે જેવાં મૂલ્યોનું જીવનમાં પ્રમાણ સમજવા પ્રેરિત થયાં.
વાર્તાના વિષયવસ્તુ આધારે સાહસી બનવા, નેતૃત્વ પ્રાપ્તિ માટે મન તૈયાર થતું દેખાયું.* જ્ઞાનની આપલે માધ્યમથી ચોકસાઈ,નમ્રતા,ડહાપણ, હિંમત,પ્રામાણિકતા, સ્વાસ્થ્ય તરફ સજાગ જેવી ટેવો- સંસ્કારો અને એ દ્વારા મગજના વિકાસમાં અનાયાસ પ્રવૃત્ત થવા પ્રેરાયાં.
□ વાર્તા અભિયાન એક ઉજ્જવળ
ભવિષ્યની એઁધાણી.
યાદ રહે !!
કેળવણીક્ષેત્રે વાર્તા માધ્યમથી કોયડા, આંકડાકીય વિગતો, કુદરતનાં રમ્ય કે રૌદ્ર સ્વરુપોની ઘટનાઓના વર્ણન દરમિયાન (શ્રવણ-કથન સંભાષણ,લેખન વડે) વિજ્ઞાન,પર્યાવરણ,સામાજવિદ્યા,નાગરિક શાસ્ત્ર,ધર્મ,અધ્યાત્મ વગેરે વિષયોની થતી વાતો અને એમાં ગણતરી થકી ગણિત જેવા વિષયો તરફ મન સકારાત્મક વળાંક લેવા ટેવાતું કરવાનું છે.
આમ સમગ્ર દ્રષ્ટિએ એવું તારણ તારવી શકાય કે સામાન્ય રીતે માતૃભાષા દ્વારા થતું વાર્તાકથન માત્ર દરેક જગ્યાએ માધ્યમ જ બને છે.પણ એ માધ્યમ દ્વારા અભ્યાસક્રમના તમામ વિષયો તરફ બાળક અભિમુખ થાય છે.વિદ્યાર્થીઓની પ્રાથમિક સમજણનો પાયો મજબૂત બને છે.નવા વિચારો ઝડપથી સ્વીકારતું થાય છે અને સૌથી મહત્વપૂર્ણ હકીકત એ ઉપસી આવે છે કે બાળકમાં આત્મવિશ્વાસની ગુણાત્મક વૃદ્ધિ થયા જ કરે છે.
આ પ્રકલ્પ અમારે માટે શિક્ષણમાં “પ્રયોગાત્મક પરિવર્તન અને ભાર વગરના ભણતરની ભૂમિકામાં શિક્ષક શું કરી શકે ?” એનું સરસ આકલન તારવવાનું પ્રાથમિક પગથિયું છે.અમારો એ પ્રયત્ન કેટલો સફળ થયો એ આપ સૌ ઉપર છોડીએ છીએ.આપ સૌના પ્રતિભાવની પ્રતિક્ષા પણ અસ્થાને નહીં ગણાય.
” વેર્યાં બી મેં અહીં છુટ્ટા હાથે,
પછી વાદળ જાણેને વસુંધરા. “
Recent Comments