અમરેલી

જો તમે વિશ્વમાં પરિવર્તન જોવા માંગતા હોય તો એ પરિવર્તનની શરુઆત તમારાથી થવી જોઈએ. ~ પૂજ્ય મહાત્મા ગાંધીજી

મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે ભારતીયો પૂજ્ય બાપુને યાદ કરી તેમને અંજલિ આપી ધન્યતા અનુભવે છે. સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર મૌન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે. મહાત્મા ગાંધી ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ વીર-વીરાંગનાઓનું સ્મરણ કરીને સ્મરણાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. ભારતીયો તો ખરાં જ પણ વિદેશી નાગરિકો પણ મોહનથી મહાત્મા સુધીની સફર વિશે વાંચે છે, સમજે છે અને જાણે છે. પૂજ્ય બાપુ પાસે જન્મથી લઈને મૃત્યુ સુધીનું અદ્દભૂત અને ખરું જીવનદર્શન હતું. આ જીવનદર્શન થકી જ તેમણે દુનિયાને અહિંસા અને સત્યના દિવ્ય સંદેશ આપ્યા હતા!  “મારુ જીવન એ જ મારો સંદેશ છે.”  વિશ્વ માનવની કલ્પના કેવી હોય છે ? આ જાણવું હોય અથવા સમજવું હોય તો ગાંધીજીને વાંચવા પડે, સમજવા પડે, ઉપરાંત તેમના અમૂલ્ય વિચારોને આત્મસાત કરવા પડે. પૂજ્ય બાપુ વિશ્વ માનવ હતા.

દરેક ક્ષેત્રે પૂજ્ય બાપુએ સમગ્ર દુનિયાને અમૂલ્ય વિચારોની ભેટ આપી છે. એમના વિચારો કે જે, સાચી દિશામાં પરિવર્તનનો પવન ફૂંકી શકે છે! જો માનવી દ્વારા એ વિચારોને અનુસરવામાં આવે, આત્મસાત કરવામાં આવે તો ઘણાં ચમત્કારો આજે પણ થઈ શકે છે. અમરવેલી તરીકે ઓળખાઈ છે તેવા ગાયકવાડી નગરી અમરેલી સ્થિત બાલભવનમાં ગાંધીજીના અસ્થિઓ આજે પણ સચવાયેલા છે.

આ અસ્થિઓ અમરેલીના ડૉ. હરિપ્રસાદ ભટ્ટ પૂજ્ય બાપુના દેહાંત સમયે દિલ્લી બિરલા હાઉસથી લઈ આવ્યા હતા. ગાંધીજીની સાથે ડૉ. હરિપ્રસાદ ભટ્ટના પારિવારિક સંબંધો હોવાના લીધી ગાંધી પરિવારે એક અસ્થિ કુંભ ડૉ. હરિપ્રસાદ ભટ્ટને પણ આપ્યો હતો જે આજે પણ સચવાયો છે. આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે અમરેલી બાલભવન ખાતે પૂજ્ય બાપુના અસ્થિને ફુલહાર પહેરાવવામાં આવે છે. તા.૨ ઓક્ટોબર, ૧૯૬૯ થી તા.૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ સુધી પૂજ્ય બાપુની જીવનયાત્રા પ્રેરણાત્મક રહી અને આજે પણ તેમનું જીવન અનેક માટે ગુરુમંત્ર સમાન સાબિત થયું છે.

વર્ષ ૧૯૨૦-૧૯૨૨માં અસહકાર આંદોલન, વર્ષ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહ અને દાંડી માર્ચ, વર્ષ ૧૯૩૧માં સવિનય કાનૂન ભંગ ચળવળ જેવા આંદોલનો થકી પૂજ્ય બાપુએ ભારતના નાગરિકોને અંગ્રેજો સામે પ્રચંડ લડત માટે જાગૃત્ત કર્યા હતા ઉપરાંત તેમણે લોકોને આઝાદી માટે તૈયાર કરવામાં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી.

વર્ષ ૧૯૪૨માં પૂજ્ય બાપુની ‘કરો યા મરો’ની એક હાકલે સમગ્ર દેશે તેમની એકતા બતાવી. અંગ્રેજો સામે  હિંદ છોડોનું પ્રચંડ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું. આ પ્રચંડ આંદોલનથી અંગ્રેજોમાં છેક બ્રિટન સુધી હડકંપ મચી ગયો, અને પૂજ્ય બાપુએ અંગ્રેજોને હિંદ છોડવા માટે મજબૂર કર્યા હતા. છેવટે વર્ષ ૧૯૪૭માં તા.૧૫ ઓગસ્ટના રોજ ભારતભૂમિ અને ભારત દેશ આઝાદ થયો.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નામી-અનામી ક્રાંતિવીરો, વીરાંગનાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. એમની શહીદી અને આઝાદીની લડતમાં એમના સવિશેષ પ્રદાનને ભારતવર્ષ આજે યાદ કરી પ્રેરણા લઈ આગળ વધી રહ્યું છે.

પૂજ્ય બાપુએ પૃથ્વી પરની સમગ્ર માનવજાતને સત્ય, અહિંસા, કરુણા, પરોપકાર, જીવદયા, અપરિગ્રહ, સાદગી, સર્વોદય, સર્વ કલ્યાણ જેવા અનેક અમૂલ્ય વિચારોની ભેટ આપી છે. આજે સમગ્ર વિશ્વમાં પૂજ્ય બાપુનો અહિંસાનો સંદેશ ફેલાય તો હિંસાત્મક પ્રવૃત્તિઓ અટકી શકે છે, આજે આપણે સૌ ગ્લોબલ વોર્મિંગ વિરુદ્ધ એક યુદ્ધ લડી રહ્યા છીએ! પૂજ્ય બાપુના પર્યાવરણ વિષયક વિચારો જો દુનિયા આત્મસાત કરી લે તો પ્રકૃત્તિનું રક્ષણ કરવું વધુ સહેલું છે.

પૂ.બાપુ સ્વચ્છતાના આગ્રહી હતા એટલે જ હંમેશા કહેતા હતા કે, “સ્વચ્છતા રાખવી એ પણ ઈશ્વરની ભક્તિ સમાન જ છે.” માનવીની સ્વાર્થવૃત્તિનો પૂજ્ય બાપુએ હંમેશા વિરોધ કર્યો હતો. આજે માનવી સ્વાર્થી બની ચૂક્યો છે! આજે વિશ્વમાં ક્યાંકને ક્યાંક આતંકવાદી પ્રવૃત્તિઓ અને આતંકવાદી વિચારધારના લીધે અકલ્પનીય નુકશાન દુનિયા સહન કરી રહી છે, આ સ્થિતિમાં ગાંધીજીનો અહિંસાનો સંદેશ જ એકમાત્ર એવો ઉપાય છે કે, જે આતંકવાદી વિચારધારાનો સમૂળગો નાશ કરી શકે છે!

પૂજ્ય બાપુ નારી સ્વતંત્રતા અને સ્ત્રીઓની કેળવળીના હિમાયતી હતા, તેમણે અસમાનતાનો પણ વિરોધ કર્યો હતો.  સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે અનેક ભારતીય મહિલાઓએ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થઈને ઘરની ચાર દિવાલોને તોડીને સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈમાં ઝંપલાવ્યું હતુ! નારી શક્તિ એ સમયે આંદોલનની શક્તિ બની હતી! ગાંધીજીએ નારી સશક્તિકરણના વિચારોનો પણ ફેલાવો કર્યો હતો.

મહાત્મા ગાંધીનો સર્વોદયનો ખ્યાલ સર્વનું કલ્યાણ કરી શકે એટલો શક્તિશાળી છે! ગાંધીજીએ ગામડાંઓના સશક્તિકરણ ઉપર ભાર મૂક્યો હતો. તેઓ કહેતા કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો ગ્રામીણ અર્થવ્યવસ્થાનો ઉત્કર્ષ અનિવાર્ય છે. તેઓએ “સ્વદેશી અપનાવો”ના વિચારનો બહોળો ફેલાવો કર્યો હતો અને આજે આપણે સૌ ‘વોકલ ફોર લોકલ’ને પ્રાધાન્ય આપીએ છીએ.

ગાંધીના મતે સાચું ભારત ગામડાઓમાં વસવાટ કરે છે! ગાંધીએ દુનિયાને એ પણ શીખવાડ્યું છે કે, આત્મબળથી મોટું કોઈ બળ નથી! ગાંધીજીનો સત્યાગ્રહ એ એક શક્તિશાળી સ્માર્ટ સ્ટ્રેટેજી જ નહિ પરંતુ એક પ્રચંડ અદ્રશ્ય શક્તિ પણ ખરી! 

ગાંધીજીએ જીવનમાં નૈતિકતા પર પણ ભાર આપ્યો હતો. ભ્રષ્ટાચાર, સ્વાર્થવૃત્તિ, ઈર્ષા સહિતના રાક્ષસોના નાશ માટે ગાંધીજીના નૈતિકતા વિષયક વિચારો પ્રચંડ શસ્ત્ર સમાન છે. ગાંધીજીના મતે વિશ્વશાંતિ માટે અહિંસા જ એકમાત્ર શસ્ત્ર છે જેના થકી વિશ્વશાતિ પ્રાપ્ત કરી શકાય છે!

મહાત્મા ગાંધી એ વીતેલી સદીના એકમાત્ર એવા રાજનૈતિક નેતા હતા જેમણે સમગ્ર દુનિયામાં સત્ય, અહિંસા, શાંતિ, પ્રેમ, સદભાવ, સર્વધર્મ સમભાવ, સર્વોદય, સર્વ કલ્યાણ, ઈમાનદારી, મૌલિક શુદ્ધતા જેવા પ્રચંડ શક્તિશાળી હથિયારોનો સફળ પ્રયોગ કર્યો હતો. આ પ્રચંડ હથિયારોના બળથી તેમણે ભારતની આઝાદીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે દુનિયામાં જ્યાં પણ શાંતિ માર્ચ નીકળે, અત્યાચાર અથવા હિંસાનો વિરોધ કરવામાં આવે ત્યાં ગાંધીજીને યાદ કરવામાં આવે છે! ગાંધીજીએ કહ્યું હતું કે, “गाँधी मर सकता है पर गाँधीवाद कभी नहीं मर सकता”.

વર્તમાન સમયમાં પણ ગાંધીજીના વિચારો જીવંત છે અને દુનિયાનું માર્ગદર્શન કરી રહ્યા છે. ગાંધીજી અને તેમના અમૂલ્ય સુવિચારો સાંપ્રત સમયમાં પણ પ્રાસંગિક છે. આજે દુનિયામાં અનેક વિકરાળ પ્રશ્નો છે અને આ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે ગાંધી વિચારધારા એ સત્ય માર્ગ બતાવી શકે છે! ૨૧મી સદીમાં ગાંધીજીના અમૂલ્ય વિચારોને આત્મસાત કરીએ એ જ ગાંધીજીના નિર્વાણ દિને તેમને સાચી સ્મરણાંજલિ છે.

Related Posts