પુરવઠા તેમજ મામલતદારની ટીમે રેલવે કોલોનીમાં દરોડા પાડી ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કર્યો દાહોદમાં રેલવે કોલોનીમાં આવેલા સરકારી ક્વાટરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. દાહોદ મામલતદાર તેમજ પુરવઠાની ટીમે બાતમીના આધારે શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ તેમજ ભોઈવાડા સ્થિત નજમી મહોલ્લામાં દરોડા પાડી ૨૩ જેટલા ગેસ સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ કરવા માટેની મોટર તથા પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલી રહ્યું હતું જેની બાતમી દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગને મળતા પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જાેશી, શૈલેષભાઈ, દુષ્યંતભાઈ ગરાસીયા, તેમજ દાહોદ મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ સહિતની ટીમે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ નંબર ઈ૭૮૭ ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહના ત્યાં દરોડા પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની પાઇપ મોટર તેમજ ઘરેલુ ગેસના ૯ ભરેલા અને ૪ ખાલી તેમજ ત્રણ ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે શહેરના ભોઈવાડા વિસ્તારમાં આવેલા નજમી મોહલ્લામાં કુતુબુદ્દીન નામના ઈસમના ઘરે દરોડા પાડી ૫ ઘરેલુ ગેસના તેમજ ૨ કોમર્શિયલ સિલિન્ડર મળી કુલ ૨૩ જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરી જે તે ગેસ એજન્સીમાં જમા કરાવી ઉપરોક્ત બંને ઈસમો સામે મામલતદાર દ્રારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments