ભાવનગર

સિહોર તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા પીડિત મહિલાને તાત્કાલિક સહાય

સિહોર તાલુકા વિસ્તારમાં એક પીડિત મહિલાને તેમના પતિ દ્વારા મારપીટ કરી ઘરેથી બહાર કાઢી મૂકવાની
ઘટના સામે આવી હતી. માહિતી મુજબ પીડિતા સારવાર માટે એકલા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીડિતાના પ્રેમલગ્ન
થયેલા હોવાને કારણે તેમના માતા-પિતા સાથે સંપર્ક ન હતો અને આશ્રય ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
સિહોર સરકારી હોસ્પિટલમાંથી પીડિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર
સંપર્ક કરવામાં આવ્યો હતો. 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિતાની મુલાકાત લીધી હતી અને
કાઉન્સેલિંગ દ્વારા સમગ્ર હકીકત જાણી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે પીડિતાના લગ્નને એક વર્ષ જેટલો સમય થયો છે. નાની
બાબતને લઈને પતિએ પીડિતાને મારપીટ કરી ઘરેથી બહાર કાઢી મૂક્યા હતા. પીડિતા તેમના પિયરમાં જવા ઇચ્છતા
હતા, પરંતુ માતા-પિતા સ્વીકારશે નહીં તેવી ભીતિ હતી.
181 ટીમના કાઉન્સેલરે પીડિતાના માતા-પિતાનો સંપર્ક કરી સમગ્ર બનાવ અંગે માહિતી આપી અને દીકરીને
આશ્રય આપવા વિનંતી કરી હતી. દીકરીની પરિસ્થિતિ વિશે જાણ્યા બાદ માતા-પિતાએ તરત જ દીકરીને ઘરે
બોલાવી લીધી હતી.
આ સાથે પીડિતાને તેમના પતિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું. જરૂરી કાર્યવાહી બાદ પીડિતાને સુરક્ષિત રીતે તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.
દીકરીને સુરક્ષિત રીતે ઘરે પરત આવતા માતા-પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો
હતો.

Related Posts