રાષ્ટ્રીય

ભરણપોષણ અપાવવાની મહિલાની અપીલને ફગાવતા સુપ્રીમનું મહત્વનું અવલોકન

પતિ મહિને એક લાખ જ્યારે પત્ની ૬૦ હજાર કમાય છે, બન્નેનો હોદ્દો પણ સમાન, પત્ની પોતાની સંભાળ રાખવા સક્ષમ : સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પતિ પાસેથી ભરણપોષણની માગણી કરતી એક મહિલાની અરજીને ફગાવતા સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જાે કોઇ મહિલા નોકરી કરી ચુકી હોય કે કરતી હોય અને તે જ હોદ્દા પર હોય જે હોદ્દા પર પતિ છે તો સ્વતંત્ર રીતે પોતાની સંભાળ રાખી શકે છે. સુપ્રીમે નોંધ્યું હતું કે જાે પતિ અને પત્ની બન્નેની સ્થિતિ સમાન હોય તો પછી આવા મામલામાં ભરણપોષણની જવાબદારી પતિ પર નથી રહેતી.
પતિ અને પત્ની બન્ને પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. જેમાં પતિને મહિને એક લાખનો જ્યારે પત્નીને ૬૦ હજાર રૂપિયાનો પગાર મળે છે. બન્નેએ છૂટાછેડાનો મામલો ચાલી રહ્યો હતો એવામાં પત્ની દ્વારા ભરણપોષણ માટે અપીલ કરાઇ હતી અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઇયાંની બેંચે સુનાવણી કરી હતી. પત્નીની અપીલ ફગાવતા સુપ્રીમની બેંચે નોંધ્યું હતું કે અરજદાર મહિલા અને પ્રતિવાદી (પતિ) બન્ને એક જ પદ એટલે કે સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છે, જાે પત્ની આર્ત્મનિભર છે અને પોતાનું ભરણપોષણ કરી શકે તેટલી સક્ષમ છે તો તેવા સંજાેગોમાં પતિ પર ભરણપોષણ આપવાની જવાબદારી નથી રહેતી.

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં મહિલાએ દાવો કર્યો હતો કે મારી ખુદની એક કમાણી હોવા છતા પણ હું ભરણપોષણ મેળવવાને હકદાર છું, મારા પતિની આવક એક લાખ જ્યારે મારી આવક ૬૦ હજાર છે. જાેકે પતિના વકીલે વિરોધ કરતા કહ્યું હતું કે બન્નેની આર્થિક સ્થિતિ સમાન છે એવામાં ભરણપોષણ આપવાની માગણી વ્યાજબી નથી. કોર્ટે બન્ને પક્ષકારોને છેલ્લા એક વર્ષની સેલેરી સ્લિપ જમા કરવા પણ કહ્યું હતું. તમામ પુરાવા અને આધારને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પત્નીની માગણીને ઠુકરાવીને તેની અરજી નકારી હતી. આ પહેલા મધ્ય પ્રદેશ હાઇકોર્ટ અને ફેમેલી કોર્ટે પણ ભરણપોષણની માગણી ઠુકરાવી દીધી હતી જેની સામે મહિલા દ્વારા સુપ્રીમ કોર્ટમા અપીલ કરાઇ હતી. જાેકે સુપ્રીમ કોર્ટે પણ બન્નેની સ્થિતિ સમાન હોવાથી ભરણપોષણની માગ નકારી હતી.

Follow Me:

Related Posts