અમરેલી જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલિક કે મેનેજરો પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝરને નોકરી ઉપર રાખી શકાશે નહીં. આ માટે અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રીએ વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ, હવે પછીથી કોઈ પણ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓએ પોતાને ત્યાં ભરતી કરેલ સિક્યુરિટી ગાર્ડ, સિક્યુરિટી ગનમેન અને સુપરવાઈઝરના બાયોડેટા તૈયાર કરી તેમજ તેઓનું વેરીફીકેશન ફોર્મ વિગતવારનું ભરી તેની સાથે તેના વતનના પુરાવા તરીકે આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સામેલ રાખી તે પછી જ જે તે ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરનુ વેરીફીકેશન કરાવ્યા પછી જ તેઓને કોઈપણ કંપની, મોટા ઉદ્યોગો, ટોલટેક્ષ, સોસાયટીઓ, રહેણાક વિસ્તારો, હોટલ, બેંક, એ.ટી.એમ, રીસોર્ટ, ફરવાના સ્થળો, ધાર્મિક સ્થળો, મેળાઓ, શોપીંગ-મોલ, સ્કુલો, કોલેજો, સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ વિગેરે ઉપર સપ્લાય કરી શકશે અને જે તે કંપની, મોટા ઉદ્યોગો, ટોલટેક્ષ, સોસાયટીઓ, રહેણાક વિસ્તારો, હોટલ, બેંક, એ.ટી.એમ., રિસોર્ટ, ફરવાના સ્થળો, ધાર્મિક સ્થળો, મેળાઓ, શોપીંગ-મોલ, સ્કુલો, કોલેજો, સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ વિગેરેએ પણ ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરને પોતાને ત્યાં નોકરી ઉપર રાખતા પહેલા તેઓનું વેરીફીકેશન થયેલું હોય તેને જ નોકરી ઉપર રાખવાના રહેશે. અને જો કોઈપણ સંસ્થા તરફથી વેરીફીકેશન થયા વગરના ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરને પોતાને ત્યાં નોકરી ઉપર રાખવામાં આવશે તો તેઓની સામે અને સપ્લાય કરનાર પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીના માલીક સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલીકોએ તથા જે તે સંસ્થાના માલિક/મેનેજરોએ સુરક્ષાની દ્રષ્ટિએ આ બાબતે પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરને નોકરી ઉપર રાખી શકશે નહી.
ઉપરાંત સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ વિગેરેના માલિકો- મેનેજરોએ તથા પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીના માલિકોએ પોતાને ત્યા ફરજ પર રાખેલા ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરની વિગતવારની માહિતી તેમજ ચારિત્ર્ય પ્રમાણપત્ર જ્યારે પણ કોઈ પણ પોલીસ અધિકારી ચેક કરવા આવે ત્યારે તેઓને તે બતાવવાનું રહેશે અને આ અંગે પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી લાયસન્સ અધિનિયમ મુજબ રાખવાના રજિસ્ટરો નિભાવવાના રહેશે.
પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ વિગેરે સ્થળોએ સિક્યુરિટી-સલામતી સાચવવાના હેતુસર ઓન પેમેન્ટ સિક્યુરીટી જવાનો ફાળવવામાં આવે છે અને આ જવાનો સિક્યુરીટી-સલામતીની ફરજો અદા કરતી વેળા તેનો ગેરલાભ લઈ લુંટ, ધાડ, ચોરી અને બીજા ગંભીર શરીર સબંધિત ગુનાઓ, કોગ્નીઝેબલ ગુનાઓ તેમજ રાષ્ટ્ર-વિરુધ્ધના ગુનાઓ પણ આચરી ભાગી જતા હોય છે. જેથી આ પ્રવૃતિ ગુનાહિત કૃત્યો અટકાવવા અતિ આવશ્યક હોય, પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીએ જે સ્થળોએ સિક્યુરિટી જવાનની ફાળવણી કરે છે. તે તમામ જવાનોની સંપુર્ણ બાયોડેટા ફોટા સહિતની જે તે પોલીસ સ્ટેશન અને અમરેલી જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (S.O.G.) રાજ મહેલ કેમ્પસ, ‘એ’ -૧૦૪, બહુમાળી ભવન, જી.અમરેલી. કચેરીએ નિયત નમૂનાના ફોર્મમાં જાણ કરવી. આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલી રહેશે.


















Recent Comments