‘સૌની યોજના‘ હેઠળ ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો સુધી પહોંચાડવામાં આવી રહ્યુ છે.
આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે ૧,૧૨૬ કિ.મી. લાંબી પાઇપલાઇન નેટવર્કનો સમાવેશ થાય છે, સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છ માટે ‘સૌની યોજના‘ થકી ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારોની કાયાપલટ થઈ છે, સૌરાષ્ટ્ર હરિયાળું અને સમૃદ્ધ બન્યું છે.
આજરોજ નાની કુંકાવાવ અને સનાળા મુકામે ‘સૌની યોજના’ લિંક-૪ હેઠળ સ્કાવર વાલ્વ વીથ પાઈપલાઈન, એર વાલ્વ ચેમ્બર બાંધકામ, એનર્જી ડિસીપેશન સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રીશ્રી, જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂ. ૧.૮૭ કરોડના ખર્ચે નર્મદાના નીર છે‘ક સનાળા ગ્રામ્ય વિસ્તારના હયાત તળાવ સુધી પહોંચાડવાની નેમ છે. આ કામગીરી પૂર્ણ થતાં કુલ ૨૦૦ હેકટર ખેતીલાયક જમીન વિસ્તાર લાભાન્વિત થશે, ખેડૂતોની સ્કાવર વાલ્વની વર્ષો જૂની માંગણી સંતોષાશે.
જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રીશ્રી, જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સૌની યોજના થકી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો. નર્મદાના પાણી છેક સૌરાષ્ટ્ર – કચ્છ સુધી પહોંચાડવાની નેમ સાકાર થઈ છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, એક સમય હતો કે, નર્મદા સ્નાન માટે નદીના ઘાટ સુધી જવું પડતું, હવે નર્મદાના નીર ‘ઘર ઘર‘ સુધી પહોંચ્યા છે. વડાપ્રધાનશ્રી, નરેન્દ્રભાઈ મોદીનું વિઝન ખરાં અર્થમાં ધરા પર સાકાર પામ્યું છે.
ઊર્જા રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, ભૂતકાળમાં પાણીની સમસ્યાના કારણે ખેતીપાકને પૂરતું પાણી મળતું નહોતું. જેના કારણે ખેડૂતોને ખેતીપાક નુકશાનીનો સામનો કરવો પડતો હતો. રાજ્ય સરકારની મદદ થકી નર્મદામૈયાના નીરથી આપણાં ગામડાના તળાવો છલોછલ છલકાશે, ખેતીવાડીને વિશેષ લાભ થશે.
નાની કુંકાવાવ અને સનાળા મુકામે ‘સૌની યોજના’ લિંક-૪ હેઠળ સ્કાવર વાલ્વ વીથ પાઈપલાઈન સહિતના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પદાધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments