આજરોજ અમરેલી ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સરકાર પ્રેરિત વિવિધ યોજનાઓ હેઠળ ‘ત્રિવિધ’ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં રોડ-રસ્તા, શાળાઓના નવા બિલ્ડિંગ, આંગણવાડી, સૌની યોજના સહિતના વિકાસ પ્રકલ્પોની કામગીરી તેજ ગતિએ આગળ ધપી રહી છે. તેમણે ઉમેર્યું કે, ઊર્જાવાન યુવાન રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને તેમની ટીમ જિલ્લાની તસવીર બદલવા માાટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે. મંત્રીશ્રીએ આ તકે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂ. ૨.૬૭ કરોડના ખર્ચે સરદાર સર્કલથી શ્રી સ્વામિનારાયણ મંદિર રોડ, શહેરના મુખ્ય પ્રવેશદ્વારોના રસ્તાઓ પર સર્કલ ડેવલપમેન્ટ અને રજવાડી પ્રવેશદ્વાર સહિતના વિકાસલક્ષી પ્રોજેક્ટ આકાર પામશે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી શહેરની સુંદરતામાં વધારો થશે.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, અમે નવું અમરેલી-વિકસિત અમરેલીની નેમને સાકાર કરવા માટે કટિબદ્ધતા સાથે આગળ ધપી રહ્યા છીએ. અમરેલીમાં પીવાના પાણી સહિતની સમસ્યાઓ ભૂતકાળ બને તે દિશામાં કામગીરી આગળ ધપી રહી છે. તેમણે અમરેલીના વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ રાજ્ય સરકારનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
અમરેલી ખાતે ‘ત્રિવિધ’ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર-આધ્યાત્મ સ્વરૂપ સ્વામી અને સાધુચરિત સ્વામી, નગરપાલિકાના પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુશ્રી બિનાબેન કાલેણા, કારોબારી ચેરમેનશ્રી મનિષભાઈ ધરજીયા, માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન શ્રી પી.પી.સોજીત્રા, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, ચીફ ઓફિસર શ્રી વી.સી.રાઠોડ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments