અમરેલી

જિલ્લાના માર્ગ- મકાન, જર્જરિત અને ભયજનક બિલ્ડીંગ, પાણી પુરવઠા માટેની ટાંકીઓ સહિતની સરકારી મિલકતોની સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમાર

અમરેલી તા.૧૯ જુલાઈ૨૦૨૫ (શનિવાર) અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે આજે જિલ્લાના માર્ગ- મકાન, જર્જરિત અને ભયજનક બિલ્ડીંગ, પાણી પુરવઠાની ટાંકીઓ સહિતની સરકારી મિલકતોની સ્થિતિની સમીક્ષા કરી હતી.

નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વી. કાકડીયા, કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિતના પદાધિકારીશ્રી-અધિકારીશ્રી ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં, ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત બનેલા રસ્તાઓના સમારકામ, માર્ગ અને મકાન વિભાગ હેઠળના બ્રિજની ચકાસણી, અન્ય સરકારી બિલ્ડીંગ સહિતની બાબતોની સ્થિતિની સમીક્ષા કરી આવશ્યક હોય તે બાબતે ઘટતું કરવા સૂચના આપી હતી.

પ્રભારી સચિવશ્રીએ વિવિધ કામગીરીની સ્થિતિનો તાગ મેળવતા જણાવ્યુ કે, રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે કે, નાગરિકોના જાન- માલને નુકસાની કોઈપણ ભોગે સ્વીકાર્ય નથી. આ માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તેમણે એમ પણ કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર એક ટીમ તરીકે કામ કરે છે, એટલે કોઈ ઔપચારિકતા વગર દુર્ઘટના ન ઘટે તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે. આમ, દરેક બાબતમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેત રહેવા અને જરુરી તમામ કાળજી લેવી અનિવાર્ય બની રહે છે.

પ્રભારી સચિવશ્રીએ કહ્યુ કે, જનપ્રતિનિધિશ્રીઓ સતત નાગરિકો વચ્ચે રહેતા હોય છે, ત્યારે તેમના તરફથી મળેલા પ્રતિભાવો ખૂબ ઉપયોગી બની રહે છે, એટલે તેમના સૂચનો અને તેમણે આપેલી વિગતોને સકારાત્મક રીતે ધ્યાને લઈ ઘટતી તમામ કાર્યવાહી કરી સમસ્યાનું નિવારણ કરવું જોઈએ.

પ્રભારી સચિવશ્રીએ પીવાના પાણી અને ખાણી – પીણીની ચીજ વસ્તુઓથી પણ ફૂડ પોઈઝનિંગ વગેરે દ્વારા પણ જન આરોગ્ય જોખમાય નહિ તે માટે જરુરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી.

આ સાથે તેમણે પીવાના પાણીના સ્થાનિક સોર્સ- ટાંકીઓ, ગ્રામ્ય કક્ષાએ સંપ અને ટાંકીઓની પણ સમયાંતરે સાફસફાઈ પર ભાર મૂકવા જણાવ્યું. આ માટે  તેમને સંબંધિત અધિકારીઓને જરુરી તકેદારી લેવા નિર્દેશ આપ્યા હતા.

માર્ગ અને મકાન વિભાગ રાજ્ય કાર્યપાલક ઇજનેર શ્રી હેત્સવ ધોળાવાળા, માર્ગ અને મકાન પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી સ્મિત ચૌધરીએ જિલ્લામાં રસ્તાઓની મરામત કામગીરી, મેજર- માઇનોર બ્રિજની તપાસણી સહિતના સરકારી બાંધકામોની સ્થિતિનો ચિત્તાર રજૂ કર્યો હતો. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના સસ્તાઓ અને બ્રિજની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વી. કાકડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નાયબ સંરક્ષક શ્રી વિકાસ યાદવ, નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે.જે. જાડેજા, પદાધિકારીશ્રી – અધિકારીશ્રી, ઉપરાંત જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts