ભાવનગર

તલગાજરડામાં પૂ. મોરારીબાપુ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ૩૬ શિક્ષકો ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ, સંસ્કાર
અને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે તથા રાજ્યના કૃષિ મંત્રીશ્રી
જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના ૩૬ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને પ્રતિષ્ઠિત ‘ચિત્રકૂટ એવોર્ડ’થી
સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ કરાયેલા રાજ્યના દરેક જિલ્લાના એક-એક તેમજ
નગરપાલિકા વિસ્તારના શ્રેષ્ઠ શિક્ષકો મળી કુલ ૩૬ શિક્ષકોને તેમની ઉમદા અને સમર્પિત શૈક્ષણિક સેવાઓ બદલ
સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષકોની પાયાની કામગીરીને બિરદાવી હતી.
આ અવસરે તલગાજરડા ગામમાં નવનિર્મિત કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ પણ પૂજ્ય
મોરારીબાપુ અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. નૂતન શાળા વિદ્યાર્થીઓને અર્પણ
થવા બદલ પૂજ્ય બાપુએ આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમને સંબોધતા પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તે આજીવન
શિક્ષક જ બની રહે છે. દર વર્ષે અપાતા ‘ચિત્રકૂટ એવોર્ડ’ દ્વારા નિવૃત્ત તથા કાર્યરત શિક્ષકોના યોગદાનને સન્માનિત
કરવામાં આવે છે, જે શિક્ષણ જગત માટે ગૌરવની વાત છે.
શિક્ષણ પદ્ધતિ અંગે માર્ગદર્શન આપતાં બાપુએ જણાવ્યું હતું કે, પાઠ્યક્રમની સાથે સાથે શિક્ષકોએ વિદ્યાર્થીઓને
પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ જેવા ‘પંચમહાભૂત’નું જ્ઞાન પણ આપવું જરૂરી છે.
તેમણે રાજ્યના કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની કામગીરીને બિરદાવીને જણાવ્યું હતું કે, ઋષિ અને કૃષિ
વચ્ચેનો સેતુ તેઓ મજબૂત બનાવી રહ્યા છે.
પૂજ્ય બાપુએ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સરકાર
‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી કાર્ય કરી રહી છે. યોગને વૈશ્વિક ઓળખ અપાવવી અને શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્
ગીતાના પાઠનો નિર્ણય પ્રશંસનીય છે.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ એ જીવનનો પાયો છે અને
શિક્ષકો જ બાળકને શ્રેષ્ઠ નાગરિક બનાવી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના
ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પ્રવેશોત્સવથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સને
૨૦૦૦થી પ્રારંભ થયેલા અને પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવરૂપ ગણાતા ‘ચિત્રકૂટ એવોર્ડ’નો આ સળંગ ૨૬મો અવસર
હતો.
આ અવસરે મહુવા તાલુકા શૈક્ષણિક સંમેલન યોજાયું હતું તેમજ મહુવા તાલુકાના ૧૩ નિવૃત્ત શિક્ષકોને
ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્યશ્રી શીવાભાઈ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા,
શિવકુંજ આશ્રમ અધેવાડાના પૂ. સીતારામબાપુ સહિતના પદાધિકારીઓ, શિક્ષકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં
આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts