ગત શુક્રવારની મોડી રાતે ગાંધીનગરના અંબાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર બર્થ-ડેની ઊજવણી કરવા કારમાં એક કપલ આવ્યું હતું. સૂમસામ વિસ્તારમાં રાત્રિનો લાભ લઈને એક શખ્સે લૂંટના ઈરાદે કારમાં બેસેલા કપલ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક વૈભવ મનવાણીનું મોત નિપજ્યું હતું અને યુવતી ઘાયલ થઈ હતી. લૂંટ વીથ મર્ડરની ઘટના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં બનતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અડાલજ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતો Psycho Killer વિપુલ પરમાર હોવાનું સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો મુજબ, વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમાર એક ખતરનાક અને સાયકો સ્વભાવનો ગુનેગાર છે. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે, જેમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે.
નર્મદા કેનાલ પર યુવક-યુવતી પર જીવલેણ હુમલો કરી હત્યા અને લૂંટનો ગુનો આચરનારા આરોપીને પકડવા ગાંધીનગર જિલ્લાની પોલીસ ટીમો કામે લાગી ગઈ હતી. પૂર્વ અમદાવાદ અને દહેગામ પાસેના કડાદરા ગામે રહેતો વિપુલ પરમાર ઉર્ફે વિમલ ઉર્ફે નીલ આરોપી હોવાની ચોક્કસ માહિતી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ આ દિશામાં દોડતી હતી. રિઢા હત્યારાને ઝડપી લેવા પોલીસ ટીમો દિવસ-રાત એક કરીને કામે લાગી હતી. દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચના મહિલા પીઆઈ એમ.એસ.ગોહેલ અને તેમની ટીમને આજે સફળતા મળી છે. રાજકોટ જિલ્લાના કાગદડી ગામે છુપાયેલા હત્યારા વિપુલ પરમારને ઝડપી લઈ તેની પાસેથી એક મોબાઈલ ફોન તેમજ કેટલીક રોકડ રકમ કબજે કરી છે.



















Recent Comments