વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, નાગરિકોની સુવિધા વધારવામાં મદદરૂપ થતા રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનને જાહેરહિતમાં બજાર ભાવે જમીન ફાળવવામાં આવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પણ તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ ૨૨ અરજી મળી હતી. જેમાં તમામ આધાર-પૂરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૬ અરજીને મંજૂરી આપીને આશરે ૫,૨૩,૨૯૭ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.
તેવી જ રીતે, છોટા ઉદેપુર જિલ્લામાં તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ ૪૧ અરજી મળી હતી. તમામ આધાર-પૂરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આમાંથી કુલ ૩૩ અરજીને મંજૂરી આપીને આશરે ૯૩,૩૨૯ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બોર્ડ કે કોર્પોરેશન દ્વારા સરકારી જમીનની માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી તમામ આધાર-પૂરાવા અને ઉદ્દેશ્યની તપાસ કર્યા બાદ જંત્રી મુજબની કિંમત એડવાન્સમાં જમા લઈ તેમને જમીનનો આગોતરો કબજો સોંપવામાં આવે છે.
ભરપાઇ કરેલી જંત્રી આધારીત રકમ બાદ કરતાં બાકી રહેતી તફાવતની રકમ ભરપાઇ કરવાનાં સમયે આગોતરો કબજો સોંપ્યા તારીખથી તફાવતની રકમ ભરપાઇ કરવામાં આવે તે તારીખ સુધીનાં સમયગાળા માટે વાર્ષિક ૮ ટકાના દરે વ્યાજ પણ અરજદાર સંસ્થા પાસેથી વસૂલવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
Recent Comments