મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી નાર્કોટીક્સ જથ્થાના નાશ માટે ભરૂચના દહેજ ખાતે એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે, રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને ડ્રગ નાશ નિકાલ કમિટીના સભ્યોએ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ડ્રગ્સના જથ્થાનું નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી તમામ નાર્કોટીક્સ જથ્થાનો નાશ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ના આહ્વાન અને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી પોલીસ દ્વારા અમદાવાદ શહેર, રાજકોટ શહેર, મહેસાણા, કચ્છ પૂર્વ, ભાવનગર, ગિરસોમનાથ, પંચમહાલ, નવસારી, વેસ્ટન રેલવે અમદાવાદ, વેસ્ટન રેલવે વડોદરા, તાપી, સુરત ગ્રામ્ય, બોટાદ, અરવલ્લી, ભરૂચ અને બનાસકાંઠા જિલ્લાઓના જુદા-જુદા ૪૪૫ જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂ.૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જે રીતે ગઈકાલે આસુરી શક્તિની બુરાઈને નાથવા સમગ્ર દેશમાં રાવણનું દહન કરવામાં આવ્યું તેજ રીતે ભરૂચની ધરતી પર ગુજરાતભરમાંથી પકડાયેલા દૂષણરૂપી ડ્રગ્સનું દહન કરવામાં આવ્યું છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત રાજ્યને અડીને આવેલી ગુજરાત પાકિસ્તાન સરહદ, ગુજરાતના તમામ સરહદી વિસ્તારો, મહાનગરો, દરિયાઇ સીમા એમ ચારે દીશાઓમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
પોલીસ જવાનો જાનની બાજી લગાવીને ડ્રગ્સના દૂષણખોર સામે લડી રહ્યા છે. ડ્રગ્સના સ્રોત (ક્યાંથી આવે છે) અને ગંતવ્ય સ્થાન (ક્યાં જાય છે) ની માહિતી મેળવવી એ ખૂબ જટિલ અને અઘરું કાર્ય હોય છે. તેમ છતાં, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત રાજ્યના પોલીસ દળે ડ્રગ્સ વિરોધી ઓપરેશનની સફળતા અન્ય રાજ્યોના પોલીસ દળો દ્વારા મેળવેલી સિદ્ધિઓ કરતાં પણ વિશેષ અને ઉલ્લેખનિય છે.
આજથી સાડા ત્રણ વર્ષ પેહલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રીવોર્ડ પોલીસી’ બનાવવામાં આવી હતી. પોલીસ જવાનો માટે નીચેના સ્તર સુધી ‘રીવોર્ડ પોલીસી’ નું વધુ માં વધુ ઇમ્પલીમેન્ટેશન થાય એ માટે સરકાર સતત કામ કરી રહી છે.
આ પ્રસંગે, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત કરી હતી. ગુજરાત રાજ્યમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો તેમણે વિધિવત પ્રારંભ કરાવી વિગતો આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્ટ સહિત તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. જે ડ્રગ માફિયા અને દૂષણખોરોને નાથવા મહત્વનો ફાળો આપશે.
આ ઉપરાંત મંત્રીશ્રીએ, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. લોકોની જનભાગીદારી વધારવા, અભિયાન સ્વરૂપે કેન્દ્ર સરકારની ‘માનસ’ હેલ્પલાઇન નંબર ૧૯૩૩ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપતા ‘નશા-મુક્ત ગુજરાત’ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ANTF ટીમ દ્રારા ડ્રગ વિરોધી અભિયાનમાં પોલીસ સહિત સામાન્ય નાગરીકોની જવાબદારી અને જાગૃતિ માટે નાનકડી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ કામગીરી વધુ અસરકારક બનાવવાની સાથે, તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીશ્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની જાણકારી મહાનુભાવોને આપવામાં આવી હતી. રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે અને ‘નશા-મુક્ત ગુજરાત’ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવશે.
આ કાર્યક્રમમાં, ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૪ જિલ્લાના ૯૨ પોલીસ જવાનોને રૂ.૨૯.૬૭ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરી પ્રતિકાત્મક સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદશ્રી મનસુખ વસાવા, ધારાસભ્ય શ્રી ડી.કે.સ્વામી અને રિતેશ વસાવા તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ, શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય, ડીજીપી સીઆઇડી ક્રાઇમ ડૉ.કે. એલ. એન.રાવ, રેન્જ આઈજી શ્રી સંદીપસિંધ, ડીઆઇજીપી સીઆઇડી ક્રાઇમ સુ.શ્રી. પરીક્ષિતા રાઠોડ, ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તેમજ અન્ય જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Recent Comments