ગુજરાત

વડોદરામાં મિત્ર સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, 5 દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કઢાઈ

વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી છે. પત્નીએ પોતાના મુંબઈ સ્થિત મિત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં, તેણે પતિને સામાન્ય મોતમાં ખપાવીને દફનાવી પણ દીધો હતો. જોકે , ‘પાપ છાપરે ચડીને પોકારે’ તેમ મૃતકના પરિવારને શંકા જતા આખરે 5 દિવસ બાદ કબર ખોદીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર તાંદલજામાં રહેતી 30 વર્ષીય ગુલ બાનુએ પોતાના મુંબઈ સ્થિત મિત્ર તોસિફ સાથે મળીને પતિની હત્યાનું ઠંડા કલેજે ષડયંત્ર રચ્યું હતું. આરોપ છે કે, ગત 18 નવેમ્બરની રાત્રે પત્નીએ પહેલા પતિને ઊંઘની ગોળીઓ આપી દીધી હતી. ત્યારબાદ રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે બેભાન અવસ્થામાં રહેલા પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી.પરિવારને અંધારામાં રાખી દફનવિધિ કરી હત્યા કર્યા બાદ આરોપી પત્નીએ આ ઘટનાને આકસ્મિક મોત તરીકે ખપાવી દીધી હતી. પરિવારજનોને પણ કલ્પના ન હતી કે ઘરમાં જ હત્યારો છે, તેથી 19મી તારીખે પતિનું કુદરતી મોત સમજીને તેની દફનવિધિ કરી દેવામાં આવી હતી.દફનવિધિ બાદ મૃતકના પરિવારજનોને શંકા જતા તેમણે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના હાથમાં મૃતકનો મોબાઈલ અને કોલ ડિટેલ્સ આવતા મોટો ઘટસ્ફોટ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે ગુલ બાનુ એક ચોક્કસ નંબર (તોસિફ) પર વારંવાર વાતચીત કરતી હતી. આ શંકાના આધારે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શંકાના આધારે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મેજિસ્ટ્રેટ અને પોલીસ કાફલાની હાજરીમાં દફનાવેલા મૃતદેહને પાંચમા દિવસે કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તોસિફ અને ગુલ બાનુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts