અમરેલી

રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે મોરવાડા પ્રાથમિક શાળાના નવા વર્ગખંડોનું લોકાર્પણ

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કુંકાવાવ તાલુકાના મોરવાડા પ્રાથમિક શાળામાં રૂ. ૨૪.૪ લાખના ખર્ચે નિર્મિત નવા વર્ગખંડનું લોકાર્પણ ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આશરે ૧૨૦૦ની વસ્તી ધરાવતા મોરવાડા ગામમાં બાળકોને ગુણવત્તાયુક્ત અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી–વડિયા–કુંકાવાવ વિસ્તારના અંદાજે ૯૦ ટકા ગામડાંઓમાં શાળાના નવા ભવન અને વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, મોરવાડા ગામમાં રૂ. ૫૨ લાખના અન્ય વિકાસકાર્યો પણ મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ જાહેર કરેલા રાહત પેકેજ અંતર્ગત મોરવાડા ગામના ખેડૂતોના ખાતામાં અંદાજે રૂ. ૧.૩૭ કરોડની રકમ જમા કરવામાં આવી હોવાનું રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતોને વિશાળ રાહત પેકેજ આપવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ ગ્રામજનો અને બાળકો સાથે આત્મીય સંવાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. નવા વર્ગખંડોના નિર્માણથી બાળકોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને પ્રેરણાદાયી શૈક્ષણિક વાતાવરણ મળશે તેમજ વધુ સંખ્યામાં બાળકો શાળાના શિક્ષણનો લાભ મેળવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

કાર્યક્રમમાં એ.પી.એમ.સી કુંકાવાવના ચેરમેનશ્રી ગોપાલભાઈ અંટાળા, તાલુકા પંચાયતના સભ્યશ્રી ગજેન્દ્રભાઈ પટોળીયા, સરપંચ સહિત અગ્રણી સર્વશ્રી શૈલેષભાઈ ઠુંમર, રમાબેન હીરપરા, શ્રી ચેતનભાઈ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts