રાજ્યમાં એસસી એસટી સમાજ પર એક્ટ્રોસિટી ની ઘટનાઓ વધી રહી છે પણ તકેદારી અને મોનિટરિંગ કમિટીની બેઠક મુખ્યમંત્રી કેમ નિયમિત નથી બોલાવતા : અમિત ચાવડા

આજે વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરી દરમ્યાન ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર “સબકા સાથ, સબકા વિકાસ”ના સુત્રો આપે છે. પણ સાચા અર્થમાં જે સમાજના નબળા વર્ગ છે એ એસ.સી.અને એસ.ટી. સમાજ કે જેના પર વારંવાર એટ્રોસિટી થાય છે એમના અધિકારોનું હનન થાય છે, કાયદાકીય એમને જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ જયારે ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય છે. ગુજરાતમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ લાગુ છે. કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ વિજીલન્સ અને મોનીટરીંગ કમિટી બનાવામાં આવેલ છે. કાયદાની જોગવાઈ મુજબ આ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય છે,મુખ્યમંત્રી એટલા માટે હોય છે કે આખા રાજ્યમાં આવી જે ફરિયાદો, બનાવો, પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનીટરીંગ થાય, સર્વોચ્ચ કક્ષાએ એના માટેના આદેશો થાય એ આ કમિટીનો મુખ્ય હેતુ છે. કાયદાની જોગવાઈ મુજબ વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને બોલાવવી ફરજીયાત છે. કમ નસીબે રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરુ કરીને આ કમિટીની મીટીંગ નિયમિત મળવી જોઈએ એ ક્યારેય બોલાવવામાં આવતી નથી. આટલા વર્ષોમાં સતત ત્રણ વર્ષ સુધી આ કમિટી નહિ બોલાવવાને કારણે અમારા જાગૃત ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીએ હાઈકોર્ટમાં દાદ માંગી, હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષે એની મીટીંગ બોલાવવામાં આવી.
વધુમાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આજે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં કેટલી મીટીંગ બોલાવી? તો બે વર્ષમાં ફક્ત એક જ મીટીંગ બોલાવવામાં આવી છે અને એ મીટીંગ બોલાવ્યે પણ આજે છ મહિનાનો સમય થઇ ગયો તેમ છતાં બીજી મીટીંગ બોલાવવામાં નથી આવી. અમે એનો જવાબ માંગ્યો ગુજરાતમાં એટ્રોસિટીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે, અસ્પૃશ્યતા નિવારણ માટે સરકારે જે ડ્રાઈવ કરાવવી જોઈએ, ઝુંબેશ કરાવવી જોઈએ જે પ્રાયોરીટીમાં હોવું જોઈએ એ લેવામાં નથી આવતું ગુજરાતમાં એવા કેટલાય બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં ડી.જી.પી. પાસે લેખિત રજુઆતો છે, અરજદારોએ પણ રજુઆતો કરી હતી કે અમારી જાનને જોખમ છે અમને પોલીસ પ્રોટેક્શન આપો. એમની અરજીને પણ ધ્યાનમાં ના રાખી. અમે પણ સરકારનું ધ્યાન દોર્યું તેમ છતાં પણ કાર્યવાહી ના થઇ. અને એવા છ લોકોની હત્યાઓ ટૂંક સમયમાં થઇ છે.
એજ રીતે ગુજરાતમાં જે સાંથણીની જમીનો હોય છે એમાં ૨૦ હજાર કરતા વધારે વીઘા જમીન જેની પર ગેરકાયદેસર કબજો છે એવા દલિત સમાજની જમીનનો કબજો અપાવવા માટે સરકારમાં વારંવાર રજુઆતો કરે છે છતાં એના પર કોઈ જ કાર્યવાહી થતી નથી.
શ્રી અમિત ચાવડા એ જણાવ્યું કે ગુજરાતમાં સફાઈ કામદારો ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવે જે કાયદાની વિરુદ્ધ હોવા છતાં એને ઉતારવામાં આવે છે, એના મૃત્યુ થાય છે, પણ એના જે અધિકારીઓ છે એની સામે કોઈ કેસ કરવામાં કે કાર્યવાહી કરવામાં નથી આવતી.
ચારે તરફ એટ્રોસિટી વધતી હોવા છતાં, એના નિવારણ માટેનો કાયદો હોવા છતાં સ્ટેટ લેવલની વિજીલન્સ અને મોનીટરીંગ કમિટી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રીને, સરકારને કમિટીની મીટીંગ બોલાવવાનો સમય નથી. મુખ્યમંત્રીને ક્યાંક આપણે હોળી-ધૂળેટી રમતા જોઈએ છીએ, ક્યાંક ક્રિકેટમાં બોલિંગ-બેટિંગ કરતા જોઈએ છીએ પણ ગુજરાતના એસ.સી. અને એસ.ટી. સમાજના જે પ્રશ્નો છે, રજુઆતો છે ફરિયાદો છે, તેમના પર અત્યાચારો થાય છે, એમના અધિકારોનું હનન થાય છે એનું મોનીટરીંગ કરવાની કમિટી બોલાવવાનો એમની પાસે સમય નથી. આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો ને તાત્કાલિક મીટીંગ બોલાવવાની તજવીજ કરી, પણ અમે આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે કાયદામાં જોગવાઈ છે, વર્ષમાં બે વખત ફરજીયાત મીટીંગ બોલાવવાની હોય છે, કોઈ સભ્ય આવે કે ના આવે મુખ્યમંત્રીએ મીટીંગ બોલાવવાની હોય છે, એની કાર્યવાહી કરવાની હોય છે એ કાયદાનો અમલ કરવામાં નથી આવતો. સરકાર એસ.સી., એસ.ટી. સમાજના ન્યાય માટે આ મીટીંગ નિયમિત બોલાવે અને ગુજરાતમાં જે એટ્રોસિટી વધી રહી છે એને કાબુમાં લે એવી આજે અમે માંગણી કરીએ છીએ.
Recent Comments