રાષ્ટ્રીય

ભારત એક મહાન લોકશાહી દેશ, ગાંધીજીએ ઘણું શીખવ્યું: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મચાડોનું મોટું નિવેદન

વેનેઝુએલામાં લોકશાહી માટે બે દાયકાથી લડતા અને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરીના મચાડોએ ભારતને ‘મહાન લોકશાહી દેશ’ અને ‘દુનિયા માટે એક ઉદાહરણ’ ગણાવી તેની સરાહના કરી છે.

છેલ્લા 15 મહિનાથી ગુપ્ત સ્થળે રહેલા મચાડોએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘ભારત એક મહાન લોકશાહી દેશ છે. આખી દુનિયા તમને જુએ છે. આ માત્ર એક સિદ્ધિ નહીં, પણ એક જવાબદારી પણ છે. લોકશાહીને હંમેશા મજબૂત કરવી જોઈએ અને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માગું છું અને મને આશા છે કે હું બહુ જલ્દી એક સ્વતંત્ર વેનેઝુએલામાં પીએમ મોદીની મહેમાનગતિ કરી શકીશ.”ભારત પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં મચાડોએ કહ્યું કે, ‘હું ભારતના વખાણ દિલથી કરું છું. મારી પુત્રી થોડા મહિના પહેલા ભારત ગઈ હતી અને તેને ભારત દેશ ખૂબ જ ગમ્યો. મારા ઘણા વેનેઝુએલન મિત્રો ભારતમાં રહે છે. હું ભારતીય રાજકારણને પણ નજીકથી ફોલો કરું છું. તેમજ મહાત્મા ગાંધીના અહિંસક સંઘર્ષમાંથી મને પ્રેરણા મળે છે. શાંતિપૂર્ણ હોવું એ નબળાઈ નથી. ગાંધીજીએ આખી માનવતાને એ શીખવ્યું કે અહિંસામાં કેટલી તાકાત હોય છે.વર્ષ 2024ની વેનેઝુએલાની રાષ્ટ્રપતિ ચૂંટણીઓ વિશે વિસ્તૃત વાત કરતાં મચાડોએ એવો દાવો કર્યો કે સરકારે વિપક્ષની જીત ચોરી લીધી હતી. તેમણે જણાવ્યું કે, ’28 જુલાઈ, 2024ના રોજ અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને જીત હાંસલ કરી હતી. જોકે, મને વિપક્ષના ઉમેદવાર તરીકે 93% વોટથી પસંદ કરવામાં આવી હોવા છતાં, શાસને મને ચૂંટણી લડતા રોકી દીધી. પરિણામે, એક પ્રમાણિક અને સાહસી રાજદ્વારીએ મારી જગ્યાએ ઉમેદવાર બનવાની જવાબદારી લીધી અને અમે 70% વોટથી જીત નોંધાવી.’ મચાડોએ વધુમાં કહ્યું કે, મારી પાસે 85% મૂળ મતદાન સ્લિપનો રૅકોર્ડ પણ ઉપલબ્ધ છે.મચાડોએ આરોપ લગાવ્યો કે, ‘રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સત્તા છોડવાના પ્રસ્તાવને ઠુકરાવીને ઇતિહાસના સૌથી ભીષણ દમનની લહેર શરુ કરી દીધી. હજારો નિર્દોષ વેનેઝુએલન ગાયબ કરી દેવાયા. મહિલાઓ અને બાળકો પર અત્યાચાર થયો, તેમને એટલો ત્રાસ આપવામાં આવ્યો કે આખરે મારી નાખવામાં આવ્યા.’મારિયા કોરીના મચાડો વેનેઝુએલાની મુખ્ય વિપક્ષી નેતા અને રાજકીય કાર્યકર્તા છે. તેમને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર તેમના અહિંસક લોકશાહી સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. મચાડો છેલ્લા દોઢ વર્ષથી માદુરો સરકારના દમનને કારણે છુપાઈને જીવન જીવી રહ્યા છે, પરંતુ તેમનું આંદોલન હજુ પણ ચાલુ છે.

Related Posts