fbpx
રાષ્ટ્રીય

લદ્દાખમાં ચીનના ભૌગોલિક પ્રદેશ સામે ભારતે વિરોધ નોંધાવ્યો

લદ્દાખના કેટલાક વિસ્તારોને પોતાનો હોવાનો દાવો કરતા ચીન સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન તેના હોતાન પ્રાંતમાં બે નવા ભૌગોલિક પ્રદેશ (જીલ્લા) બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનો કેટલોક ભાગ લદ્દાખમાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું- લદ્દાખ પર ચીનના ગેરકાયદે કબજાને ભારતે ક્યારેય સ્વીકાર્યું નથી. ચીનના નવા ભૌગોલિક પ્રદેશની જાહેરાતથી ભારતના સાર્વભૌમત્વ પર કોઈ અસર નહીં થાય. તેમજ આ વિસ્તાર પર ચીનના ગેરકાયદેસર અને બળજબરીપૂર્વકના કબજાને માન્યતા આપવામાં આવશે નહીં. અમે રાજદ્વારી માધ્યમો દ્વારા આ અંગે ફરિયાદ કરી છે. ગયા મહિને ચીને હોતાન પ્રાંતમાં હેઆન અને હેકાંગ નામના બે નવા ભૌગોલિક પ્રદેશોની સ્થાપનાની જાહેરાત કરી હતી.

આ પ્રાંતોમાં હાજર કેટલાક વિસ્તારો લદ્દાખના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, આ વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે અને ચીનનો દાવો સંપૂર્ણપણે ગેરકાયદે છે. જ્યારે બીજાે મામલો બ્રહ્મપુત્રા નદી સાથે સંબંધિત છે. ચીન બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવી રહ્યું છે, જેને લઈને ભારતે વાંધો વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું કે, અમે સાંભળ્યું છે કે ચીન તિબેટમાં યાર્લુપ ત્યાંગપો (બ્રહ્મપુત્રા) નદી પર વીજ ઉત્પાદન સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે, ભારતને આ નદીનું પાણી ડાઉનસ્ટ્રીમમાં મળે છે અને અમે તેનો ઉપયોગ કરીએ છીએ, તેથી અમે રાજદ્વારી માધ્યમો દ્વારા ચીનની તરફ સતત ચિંતા વ્યક્ત કરી છે. અમે ચીની પક્ષને વિનંતી કરી છે કે આ પ્રવૃત્તિઓ દ્વારા બ્રહ્મપુત્રાના ડાઉનસ્ટ્રીમ રાજ્યોના હિતોને નુકસાન ન પહોંચાડે. રિપોર્ટ્‌સ અનુસાર ચીન તિબેટ વિસ્તારમાં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે.

આ ડેમ યાર્લુંગ ત્સાંગપો નદી પર બનાવવામાં આવશે. આ નદી ભારતમાં બ્રહ્મપુત્રા બને છે અને બાંગ્લાદેશમાં તેને જુમના નદી કહેવામાં આવે છે. ચીને હાલમાં જ આ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ચીન આ પ્રોજેક્ટ પર ૧૩૭ બિલિયન ડોલરનો ખર્ચ કરશે, જે ભૂકંપગ્રસ્ત હિમાલય વિસ્તારમાં સ્થિત છે. ભારત અને બાંગ્લાદેશના નિષ્ણાતોએ પણ ચીન દ્વારા આ નદી પર બંધ બાંધવાના સમાચારને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરી હતી. જાે કે ચીને આ ડેમ પ્રોજેક્ટનો બચાવ કર્યો છે. ચીને કહ્યું કે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે ઘણા દાયકાઓના સંશોધન પછી બનાવવામાં આવી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીને હંમેશા સરહદ પાર નદીઓના વિકાસની જવાબદારી ઉઠાવી છે. તેમણે કહ્યું કે તિબેટમાં હાઇડ્રોપાવર ડેવલપમેન્ટને દાયકાઓના ગહન અભ્યાસ બાદ મંજૂરી આપવામાં આવી છે. તેના નિર્માણથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને કોઈ અસર નહીં થાય. પ્રવક્તા માઓએ કહ્યું હતું કે ચીન સરહદી દેશો સાથે વાતચીત ચાલુ રાખવા માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે ચીન ભૂકંપ અને આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ કરવા નીચલી નદીઓના કિનારે સ્થિત દેશો સાથે કામ કરશે જેથી નદી કિનારે રહેતા લોકોને ફાયદો મળી શકે.

Follow Me:

Related Posts