રાષ્ટ્રીય

ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ

ભારતીય સૈન્યશક્તિને લઈને આપણને ગર્વ થાય એવી જાહેરાત સામે આવી છે, અને તે એ કે, ભારતીય વાયુસેના (Indian Air Force – IAF) ને અમેરિકા (US Air Force) અને રશિયા (Russian Air Force)ની વાયુસેના પછી વિશ્વની ત્રીજા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના તરીકેની માન્યતા મળી છે. આ રેંકિંગમાં ભારતે તેના પડોશી અને વૈશ્વિક પ્રતિસ્પર્ધી ચીન (People’s Liberation Army Air Force – PLAAF) ને પાછળ છોડી દીધું છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પાછળના કારણો રસપ્રદ છે. કોઈ પણ દેશની વાયુસેનાની શક્તિ માત્ર વિમાનોની સંખ્યા જોઈને નક્કી થતી નથી. તેનો આંકડો કાઢવા માટે નીચેના પાસાંઓને ધ્યાનમાં લેવામાં આવે છે:

1.  વિમાનોની સંખ્યા અને ગુણવત્તા: ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ વિમાન, હેલિકોપ્ટર્સ, અને ખાસ હેતુના વિમાનો (જેમ કે અન્વેષણ અને નિગરાની)ની કુલ સંખ્યા કેટલી છે.

2.  એડવાન્સ ટેક્નોલોજી: વિમાનોમાં લાગેલી ટેક્નોલોજી કેટલી એડવાન્સ કક્ષાની છે. રડાર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા, અને સ્ટીલ્થ ટેક્નોલોજી કેટલી આધુનિક છે.

3.  માનવસંસાધન: પાયલટ્સ, તકનીકી કર્મચારીઓ અને સ્ટાફની તાલીમ, કુશળતા અને અનુભવ કેવા અને કેટલા છે.

4.  પરિચાલન ક્ષમતા: જે-તે દેશની વાયુસેના દ્વારા એકીસાથે કેટલાં ઓપરેશન ચલાવી શકાય છે, દૂરના સ્થળે કેટલી ઝડપથી સેના પહોંચાડી શકાય છે, એ મુદ્દા પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

5.  એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ ક્ષમતા: વિવિધ પ્રકારના હથિયારોની અને મિસાઈલ સિસ્ટમની ક્ષમતા પણ આંકવામાં આવે છે.6.  નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ ક્ષમતા: વિવિધ સેના વિભાગો (જમીન, વાયુ, સમુદ્ર) અને સંસાધનોને એક સાથે જોડીને ઓપરેશન ચલાવવાની ક્ષમતા કેટલી ઉત્તમ છે, એય લક્ષમાં લેવામાં આવે છે.

ભારતીય વાયુસેનાની શક્તિ અસીમ છે

1.  આધુનિક અને વિવિધતાભર્યા વિમાનો:

ફાઇટર જેટ્સ: IAF પાસે SU-30 MKI, મિરાજ 2000 અને રાફેલ જેવા આધુનિક વિમાનો છે. રાફેલ વિમાનોનો સમાવેશ ભારતની વાયુસેનાની ક્ષમતામાં ભારે વધારો કરનારું પગલું સાબિત થયું છે, કેમ કે તે ઉચ્ચ કક્ષાની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, લાંબી રેંજની મિસાઈલો અને સ્ટીલ્થ ગુણધર્મો ધરાવે છે.

સ્વદેશી વિકાસ: તેજસ જેટનો વિકાસ અને તેનો સક્રિય ઉપયોગ ભારતના સ્વદેશી રક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવે છે. AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ) જેવા પ્રોજેક્ટ્સ આ દિશામાં ભારતીય વાયુસેનાને ઔર મજબૂત બનાવી રહ્યા છે. 

2.  એરિઅલ રિફ્યુલિંગ: ભારતીય વાયુસેનાના વિમાનો હવામાં જ જહાજમાં ઇંધણ ભરી શકવાની ક્ષમતા (એરિઅલ રિફ્યુલિંગ) ધરાવે છે, જેને લીધે વિમાનોની પહોંચ વધી જાય છે. IAF પાસે હાલમાં રશિયન બનાવટના IL-78 વિમાનો છે જે આ કામ સુપેરે પાર પાડે છે. આ કાર્ય માટે ભવિષ્યમાં વધુ આધુનિક વિમાનો પણ IAFમાં ભરતી કરાશે. 

3. સ્ટ્રેટેજિક ટ્રાન્સપોર્ટઃ C-17 ગ્લોબમાસ્ટર III અને C-130J સુપર હરક્યુલિસ જેવા વિશાળ ટ્રાન્સપોર્ટ વિમાનો ભારે સામાન અને સૈન્ય દળોને ઝડપથી દેશના એક છેડાથી બીજા છેડે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી શકે છે.

4.  એર ડિફેન્સ સિસ્ટમ: S-400 એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમનો સમાવેશ IAFની રક્ષણાત્મક ક્ષમતાઓમાં વધારો કરે છે. આ સિસ્ટમ દુશ્મનના વિમાનો, મિસાઈલો અને ડ્રોન્સને લાંબા અંતરથી નષ્ટ કરી શકે છે.

5.  નિષ્ણાત અને સુવિધાસંપન્ન માનવબળ: IAFના પાયલટ્સ અને તકનીકી સ્ટાફ વિશ્વસ્તરના માપદંડ પર ખરા ઉતરે છે. તેમની તાલીમ અત્યંત કઠિન અને સંપૂર્ણ હોય છે. દાખલા તરીકે, ‘ગજરાજ’ અને ‘સૂર્યકિરણ’ જેવા અભ્યાસક્રમો પાયલટ્સને વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિ માટે તૈયાર કરે છે.

6.  નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ ક્ષમતા: IAF ભારતીય સેનાના બીજા અંગો— નૌકાદળ (નેવી) અને પાયદળ (આર્મી)— સાથે સારી રીતે સંકળાયેલી છે, જે આજના જમાનામાં યુદ્ધ માટે એક મહત્ત્વપૂર્ણ પાસું છે, કેમ કે એમાં વિવિધ એકમો વચ્ચે સમન્વય અને માહિતીનું આદાન-પ્રદાન જરૂરી છે.

Related Posts