પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રીલીઝ નહીં થાય
ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકી હુમલાની અસર પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ અબીર ગુલાલ પર પડી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન ૮ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવા છતાં, ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ‘ની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક તરફ ભારતીય ચાહકો ફવાદ ખાનના પાછા ફરવાથી ખુશ હતા, તો બીજી તરફ, રાજ ઠાકરેની પાર્ટી મનસેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ ફિલ્મને કોઈપણ સંજાેગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશે નહીં.
ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ‘ હજુ સુધી એક મુશ્કેલીમાંથી બહાર નથી આવી ત્યાં મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, ‘પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ ‘અબીર ગુલાલ‘ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.‘
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા સિનેમા હોલ ફિલ્મ રિલીઝ કરવા તૈયાર નહોતા અને ઘણા સંગઠનોએ પણ તેનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. એવામાં હવે મંત્રાલયે પણ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.
અબીર ગુલાલ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વચ્ચે, ફવાદ ખાને પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. એક્ટરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘પહલગામમાં થયેલા જઘન્ય હુમલાના સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયું. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ ભયાનક ઘટનાના પીડિતો સાથે છે, અને અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો માટે શક્તિ અને હીલિંગ માટે પ્રાર્થના કરીએ છીએ.‘
Recent Comments