રાષ્ટ્રીય

ભારતીય રોકાણકારોનું નવા અન્ય બજારો તરફ રોકાણપ!!

વેસ્ટેડ ફાઇનાન્સના ‘ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ’ અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૫ના ક્વાર્ટરમાં ભારતીયોએ અમેરિકન ચિપ કંપની એનવીડિયામાં સૌથી વધુ ટ્રેડિંગ કર્યું હતું. એનવીડિયા તાજેતરમાં ૪ ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ હાંસલ કરનાર પ્રથમ કંપની બની છે. રિપોર્ટ અનુસાર ખરીદીમાં એનવીડિયાનો હિસ્સો ૬.૪% અને વેચાણમાં ૮.૩% હતો. સૌથી વધુ નેટ ઈન્વેસ્ટમેન્ટ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટમાં કરવામાં આવ્યું હતું. ગૂગલમાં યુનિક ભારતીય રોકાણકારોની સંખ્યામાં ૧૧૩%નો બમ્પર વધારો થયો હતો.
આ ઉપરાંત, ભારતીયોએ ટેસ્લા, એએમડી અને એપલ જેવા મોટા શેરોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતીય રોકાણકારો હવે સ્થાનિક શેરમાર્કેટોથી આગળ વધીને વિશ્વ ફલક પર રોકાણ કરી રહ્યાં છે. ખાસ કરીને અમેરિકાના બજારોમાં ભારતીયો રોકાણ વધારી રહ્યાં છે. ચોંકવાનારો આંકડો યુએસ લર્નિંગ પ્લેટફોર્મનો હતો. ડયુઓલિંગોમાં ભારતીયોના રોકાણમાં ૨૨૫૫%નો નોંધપાત્ર વધારો થયો હતો, જ્યારે હેલ્થકેર કંપનીઓ યુનાઈટેડ હેલ્થ ગ્રુપ અને નોવો નોરડિસ્કમાં રોકાણ ૫૦૦%થી વધુ વધ્યું હતું.
ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ મુજબ કુલ ટ્રેડિંગ વોલ્યુમ ત્રિમાસિક ધોરણે ૨૦.૪૭% વધ્યું છે અને એસેટ અન્ડર મેનેજમેન્ટ ૩૫.૪% વધી છે. એયુએમમાં વાર્ષિક ધોરણે તો ૧૪૦%નો નોંધપાત્ર વધારો થયો છે. ડોલરમાં નબળાઈ અને વૈશ્વિક નાણાકીય પોલિસીઓમાં ફેરફારને કારણે, ભારતીય રોકાણકારો હવે યુરોપ, ચીન અને બ્રાઝિલ જેવા નવા બજારો તરફ પણ નજર દોડાવી રહ્યાં છે. ટેકનોલોજીની સાથે હવે આરોગ્ય, શિક્ષણ અને એઆઈ ક્ષેત્રોમાં પણ ઊંડો રસ લેવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં આ ફેરફારને ભારતીય રોકાણકારોની લાંબા ગાળાની વૈશ્વિક વિચારસરણીના સંકેત માનવામાં આવે છે.

Related Posts