રાષ્ટ્રીય

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી

કર્ણાટકની સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈ ફરી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને મનાવવા માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન શુક્રવારથી બેંગલુરુમાં છે, જોકે હજુ સુધી બંને વચ્ચે મુલાકાત થઈ શકી નથી. બીજીતરફ વિવાદને ટાળવા માટે ઊર્જા મંત્રી કે.જે.જોર્જ મધ્યસ્થી હોવાનું સામે આવ્યું છે. જોર્જે રવિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મુલાકાત કર્યા બાદ બપોરે ખડગે સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ સાંજે તેમણે શિવકુમાર સાથે એક કલાક સુધી બેઠક કરી હતી.મીડિયા રિપોર્ટ મુજબ જોર્જે ડી.કે.શિવકુમાર (D.K.Shivakumar) સાથે બેઠક કરીને માર્ચમાં રજૂ થનારા બજેટ સુધી તેમને શાંત રહેવા કહ્યું છે. તો જવાબમાં શિવકુમારે ચોક્કસ આશ્વાસનની માંગ કરી છે. ગત સપ્તાહે શિવકુમારે ખડગે સાથે મુલાકાત કરી હતી. ત્યારે પણ શિવકુમારને કહેવાયું હતું કે, બેલગાવીમાં વિધાનસભાનું શિયાળુ સત્ર યોજાવાનું છે, ત્યારબાદ માર્ચમાં રજૂ થનારા બજેટની તૈયારીઓ શરૂ થઈ જશે. જો આ સમયગાળામાં કોઈ ફેરફાર થશે તો સરકારના કામકાજ પર સીધી અસર પડશે. જેના કારણે બજેટ બાદ શિવકુમારની માંગણીઓ પર વિચારણા કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, શિવકુમાર કોંગ્રેસ પાસે ચોક્કસ આશ્વાસન માંગી રહ્યા છે.બીજીતરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)ના જૂથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, મોટાભાગના ધારાસભ્યો તેમની તરફ છે. સિદ્ધારમૈયાના પુત્ર અને એમએલસી ડૉ.યતીન્દ્ર સિદ્ધારમૈયા બે દિવસથી ઉત્તર કન્નડ જિલ્લામાં છે અને અહીં તેઓ એક-એક ધારાસભ્ય સાથે વ્યક્તિગત મુલાકાત કરી રહ્યા છે. ડી.કે.શિવકુમાર પણ જાણે છે કે, મુખ્યમંત્રી પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ છે, તેથી તેઓ હાઈકમાન્ડ પર દબાણ કરીને વચન પુરુ કરવાની વાત કહી રહ્યા છે.હાઈકમાન્ડ દબાણ વધારવા માટે શિવકુમારના સમર્થક ધારાસભ્યોએ ચાર દિવસથી દિલ્હીની મુલાકાત શરૂ કરી દીધી છે. રવિવારે ખડગેએ હાથ અધ્ધર કરી દેતા વિવાદ વધુ વકર્યો છે. આ કારણે 6-7 ધારાસભ્યોના ગ્રૂપે રવિવારે સાંજે દિલ્હી પહોંચીને કે.સી.વેણુગોપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે અઢી વર્ષ માટે પહેલા સિદ્ધારમૈયાને અને પછી ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન અપાયું હતું. અઢી વર્ષ પૂર્ણ થયા બાદ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, સિદ્ધારમૈયાના નજીકના પૂર્વ મંત્રી કે.એન.રાજન્નાએ શિવકુમારને એવું કહી દીધું છે કે, તેઓ સત્તા મેળવવા માટે AICC દ્વારા લખેલો પત્ર બતાવે.

Related Posts