અમરેલી

માહિતી આયોગનો ઐતિહાસિક ફેંસલો: સાવરકુંડલાના ‘વોરા કબ્રસ્તાન’ જમીન મુદ્દે ૨૫ દિવસમાં માહિતી આપવા આદેશ

​દબાયેલું હતું જે વર્ષોથી, 

એ સત્ય હવે બહાર આવશે,

માહિતીના અધિકારથી,

તંત્રમાં પણ પારદર્શિતા આવશે.

–“પાંધી સર”

​સાવરકુંડલામાં જાહેર હિત અને સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. તાલુકાના રેવન્યુ સર્વે નંબર ૩૯૩ પૈકી ૧ ની જમીન, જે ‘વોરા જમાત કબ્રસ્તાન’ માટે ફાળવવામાં આવી હતી, તે અંગેની વિગતો છુપાવવી હવે તંત્ર માટે મુશ્કેલ બનશે.

અરજદાર શ્રી આરિફભાઈ ઇસાકભાઈ ઝાખરાએ RTI હેઠળ આ જમીન ફાળવણીના હુકમો અને દસ્તાવેજોની માંગણી કરી હતી. જોકે, સ્થાનિક જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી દ્વારા સંતોષકારક પ્રતિસાદ ન મળતા મામલો ગાંધીનગર આયોગ સુધી પહોંચ્યો હતો.

અપીલ નંબર અ-૦૮૯૬-૨૦૨૫ ની સુનાવણી દરમિયાન અરજદારના વકીલ શ્રી દીપેશ સી. જોશીએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, જમીન ફાળવણીના દસ્તાવેજો જાહેર હિતનો વિષય છે અને તે છુપાવી શકાય નહીં. બીજી તરફ, મામલતદાર કચેરીના પ્રતિનિધિએ રેકોર્ડની ચકાસણી કરી માહિતી આપવાની તૈયારી દર્શાવી હતી.

માહિતી આયોગે આ બાબતને ગંભીરતાથી લઈ નીચે મુજબના આદેશો કર્યા છે: આગામી ૨૫ દિવસમાં અરજદારને તમામ માહિતી પૂરી પાડવી.

આ માહિતી અરજદારને સંપૂર્ણપણે ‘વિનામૂલ્યે’ આપવાની રહેશે.

​ માહિતી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે જેથી તેની ચોક્કસ નોંધ રહે.

Related Posts