આજરોજ સાવરકુંડલા ખાતે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અભિનવ વિચારોથી સ્વ. જયસુખભાઈ નાકરાણીના નામ જોગ પીપરવાડીનો નવો રોડ જે બનાવ્યો છે તેનું નામકરણ કરવાનો કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને તેમજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અતિથિ સ્થાને સાધુ સંતો શહેરના નામાંકિત અગ્રણીઓ સામાજિક તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો. એક કર્તવ્યનિષ્ઠ અને અડીખમ કાર્યકર્તા સ્વ.જયસુખભાઈ નાકરાણીની સેવાકીય પ્રવૃત્તિઓઓને લક્ષમાં રાખીને મરણોત્તર સન્માન રૂપે આ માર્ગનું નામકરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ સ્વ જયસુખભાઈ નાકરાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવેલ
આ તકે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સ્વ. જયસુખભાઈ નનુભાઈ નાકરાણીને સ્મરણાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે સ્વ. જયસુખભાઈ એ ભારતીય જનતા પાર્ટીનું એક અનુપમ આભૂષણ હતાં. સતત ત્રણ ટર્મ સુધી સાવરકુંડલા નગરપાલિકાના વિવિધ હોદ્દાઓ સંભાળીને સાવરકુંડલા શહેરના ગ્રાઉન્ડ રીયાલિટીની સમસ્યાઓને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેલ. અને આ સંદર્ભે તેમણે કદી દિવસ છે કે રાત એનો પણ વિચાર કરેલ ન હતો. રાત્રીના બે વાગ્યે પણ જયસુખભાઈને ફોન કરો તો તુરંત જવાબ આપે અને એ સમસ્યાને શાંતિથી સાંભળીને તેને હલ કરવા માટે લાગી પડતાં.
પછી તે અડધી રાત્રે લાગેલી આગ હોય કે જનસેવાનું કોઈ પણ કાર્ય..
સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય સ્વ. જયસુખભાઈ નાકરાણીના નામે મુખ્ય માર્ગનું નામકરણ એ તેમના અઢારે આલમ પ્રત્યેના યોગદાન અને જનસેવાને એક સાચી શ્રદ્ધાંજલિ છે. વિશેષમાં જણાવ્યું હતું કે સ્વ. જયસુખભાઈ નાકરાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન લોકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું હતું, આ નામકરણ પ્રસંગે ઉપસ્થિત હાજરી જ તેમની લોકપ્રિયતા અને સમર્પણને દર્શાવે છે. તો આ સંદર્ભે સન રાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણે પણ તેના સ્વ. જયસુખભાઈ નાકરાણીના કાર્યોને યાદ કરતાં આ માર્ગ નામકરણ એ જ તેનું સાચા અર્થમાં તર્પણ ગણાય એમ જણાવતા તંત્રને આ પરિવારને મરણોત્તર સન્માન સાથે કોઈ આર્થિક રાશી પણ અર્પણ કરવા તંત્રને ગર્ભિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ તેમને સ્મરણાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતુ કે સ્વ. જયસુખભાઈ નાકરાણી એક અનોખી માટીના માનવી હતાં તેને જનપ્રતિનિધિ તરીકેની જવાબદારી એક પરિવારના સભ્યની માફક પોતાપણાના ભાવથી કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નિભાવતા જોવા મળેલ. આ તકે વિશેષમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને તેની સમગ્ર ટીમમાં સાવરકુંડલાના કાર્યકુશળ નગરસેવક ડી. કે પટેલનો સહયોગ થાય તો સોનામાં સુગંધ ભળે. અને સાવરકુંડલાના વિકાસને પણ એક નવો આયામ મળે. આ પ્રસંગે પધારેલ સંતોએ પણ આ કાર્યક્રમમાં સ્વ જયસુખભાઈ નાકરાણીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અને આવી પ્રવૃતિઓને આગળ ધપાવતાં રહીએ તેવા આશીર્વાદ આપ્યા હતા. આમ વિશાળ સંખ્યામાં સ્વ. જયસુખભાઈ નાકરાણીના શુભેચ્છકો, સ્અવ જયસુખભાઈ નાકરાણીના પારિવારિક સભ્યો, ભાજપ કાર્યકરોની ટીમની શહેરના અગ્રણી પત્રકારોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા શહેરના આ માર્ગ નામકરણ કાર્યક્રમનો એક અભિનવ પ્રયોગ ખરા અર્થમાં બિરદાવવા લાયક રહ્યો. આવી જ રીતે સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોનો રોડ પાણી ગટર લાઈટ ઉપરાંત શહેરને અનેક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા સમર્પિત કાર્યકરો સદૈવ મળી રહે એ જ સ્વ. જયસુખભાઈ નાકરાણીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી ગણાય. આ તકે ઉપસ્થિત અનેક મહાનુભાવોનું સન્માન પણ પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું. એકંદરે
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ માર્ગ નામકરણ પગલું લઈને એક પ્રેરણાદાયી જનપ્રતિનિધિની યાદને ચિરસ્થાયી બનાવવામાં આવ્યું છે. આ માર્ગનું નામકરણ નાગરિકોને તેમના કાર્યોની યાદ અપાવશે અને ભવિષ્યમાં પણ નાગરિકો પ્રેરણાદાયી બનશે આ માર્ગ એ ખાલી માર્ગ નહિ રહેતાં સ્વ જયસુખભાઈ નાકરાણીના સેવાકીય વિચારોનું પ્રતિનિધિત્વ બનીને અન્ય માટે એક તેજોમય કિરણ બનીને પથદર્શન કરતો રહેશે.
Recent Comments