સાવરકુંડલા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે ઓરી, ખસરા અને રૂબેલા જેવા ગંભીર રોગોના નિવારણ માટે વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ આરોગ્ય સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોને MR (Measles-Rubella) અને MMR ની રસી આપવામાં આવી રહી છે.
ક્લસ્ટર સ્તરે સઘન કામગીરી
શહેરના જેસર રોડ અને ખાદી કાર્યાલય વિસ્તારમાં આવેલી આંગણવાડી કોડ નંબર ૨૭૦ (કેશવધામ) ખાતે રસીકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર અને આંગણવાડી અધિકારી દક્ષાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ હેલ્પર મીરાબેન દેવમુરારી, આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરોની ટીમે જહેમત ઉઠાવી હતી. ઘરે-ઘરે સર્વે અને માર્ગદર્શન આ અભિયાનની વિશેષતા એ છે કે આરોગ્ય વિભાગની ટીમ માત્ર કેન્દ્રો પર જ નહીં, પરંતુ ઘરે-ઘરે જઈને સર્વે કરી રહી છે.
ફિમેલ હેલ્થ વર્કર આરતીબેન દ્વારા વાલીઓને ઓરીના લક્ષણો અને તેના જોખમો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આશા વર્કર વહીદાબેને ઘરે-ઘરે જઈને વાલીઓને વિનંતી કરી હતી કે જે બાળકો રસીથી વંચિત રહી ગયા હોય તેમને સત્વરે નજીકની આંગણવાડી કે આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈ સુરક્ષિત કરવા.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચોક્કસ ઉંમરે રસી આપવી અનિવાર્ય છે. કેટલીક રસીઓ જન્મ સમયથી જ અને ત્યારબાદ નિયત સમયાંતરે બહુવિધ ડોઝમાં આપવામાં આવે છે, જેથી ઓરી જેવા ચેપી રોગના જોખમને ટાળી શકાય.
વાલીઓએ જાગૃત બનીને પોતાના બાળકોને રસીકરણના સુરક્ષા કવચથી સુરક્ષિત કરવા જોઈએ.” — આરોગ્ય ટીમ, સાવરકુંડલા


















Recent Comments