શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી

તા. 08 માર્ચ 2025 ના રોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી, જેમાં આરોગ્ય મંદિરમાં સમર્પીત અને સેવાભાવી કાર્યરત આશરે 80 થી 90 મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ અવસરે નારી શક્તિનું સન્માન કરી, તેમના નિષ્ઠાપૂર્ણ સમર્પણ અને અવિરત સેવાના ભાવ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.કાર્યક્રમની શુભ શરૂઆત દિવ્ય દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, ત્યારબાદ આરોગ્ય મંદિરના ગાયનેકોલોજીસ્ટ ડૉ. વંદિતા સલાટે મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ અવસરે વિવિધ સ્ત્રીઓએ તેમના અનુભવો રજૂ કર્યા . ડૉ. ધાર્મીબેન દ્વારા કાર્યરત મહિલાઓને દરરોજ સામનો કરવાં પડતા પડકારો અને તેમના પરિવાર તેમજ કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવાની પ્રક્રિયા અંગે સંબોધન આપવામાં આવ્યું. ચંપાબેન બગડા અને ઉપાસનાબેન મકવાણા એ કાર્યસ્થળ અને ઘરના જવાબદારીઓ સંભાળતી મહિલાઓના વાસ્તવિક અનુભવો શેર કર્યા.તેમજ દિવ્યાબેન અને પાયલબેન જોષી એ તેમના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં આવતા સંજોગો, પડકારો અને તેમાંથી મળેલાં શિખામણો રજૂ કરી. તેમની વાતોથી હાજર મહિલાઓને પ્રેરણા અને નવી દ્રષ્ટિ મળવા પામી.કાર્યક્રમનું સંચાલન ડૉ. દર્શનાબેન શિયાળ દ્વારા સંભાળવામાં આવ્યુ અને સ્ત્રી સશક્તિકરણ વિષયક પ્રેરણાદાયક ઉદ્દબોધન આપ્યું. તેમણે સમાજમાં નારીઓ માટે હજુ પણ રહેલી વિવિધ પડકારજનક પરિસ્થિતિઓ અને તેઓ માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવા માટે જરૂરી પગલાં અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી.
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મહિલા ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર અને શ્રીમતી યશોધરાબેન મહેતા દ્વારા તમામ મહિલા સ્ટાફને શુભેચ્છા પાઠવવામાં આવી અને મહિલા દિનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો.કાર્યક્રમના અંતમાં, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા દરેક મહિલા સ્ટાફને તેમના અવિરત સમર્પણ અને ઉન્નત સેવાઓ માટે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ દ્વારા આરોગ્ય મંદિરે નારી શક્તિને વંદના કરી, તેમના અવિરત યોગદાન માટે આભાર અને ગૌરવ વ્યક્ત કર્યો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની એક યાદીમાં જણાવેલ છે.
Recent Comments