રાષ્ટ્રીય

અમેરિકા સાથે દોસ્તી માટે ઈરાનના ખામેનેઈ એક શરતે તૈયાર, ટ્રમ્પ માટે માનવી અઘરી

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ અમેરિકા સાથે મિત્રતા કરવા માટે એક મોટી અને કડક શરત મૂકી છે, જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માનવી લગભગ અઘરી છે. ખામેનેઈએ સોમવારે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યાં સુધી અમેરિકા ઈઝરાયલને સમર્થન આપવાનું ચાલુ રાખશે, મિડલ ઈસ્ટમાં દખલ કરતું રહેશે અને પોતાના સૈન્ય મથકો જાળવી રાખશે, ત્યાં સુધી ઈરાન-અમેરિકા વચ્ચે દોસ્તી શક્ય નથી.’ઈરાન લાંબા સમયથી કહે છે કે, તેને અમેરિકા સાથે મિત્રતા કરવામાં કોઈ વાંધો નથી. ઈરાનનું કહેવું છે કે, બંને દેશોના સંબંધોમાં સમાનતા હોવી જોઈએ, કારણ કે સમાનતા રાષ્ટ્રીય સન્માનનો મુદ્દો છે. જોકે અમેરિકા હજુ પણ ઈરાનને મધ્ય પૂર્વની આર્મી લેબ તરીકે જુએ છે, જેના કારણે બંને દેશો વચ્ચે વિવાદ છે. આ સંજોગોમાં ઈરાન, રશિયા અને ચીન જેવા દેશો સાથેના સંબંધો મજબૂત કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ઈરાન પર સતત દબાણ વધારી રહ્યા છે, તો બીજી તરફ ડીલ કરવાની વાતો પણ કરી રહ્યા છે. ત્યારે આવા સમયે ખામેનેઈનું આ નિવેદન સામે આવ્યું છે. આમ ટ્રમ્પ એક હાથે મિત્રતા કરવા માંગે છે, તો બીજા હાથે ડંડો પકડીને બેઠા છે. જોકે ખામેનેઈએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘તેહરાન હવે અધૂરા ભરોસા પર કોઈ સમજૂતી નહીં કરે.’આયાતુલ્લાહ અલી ખામેનેઈ (Iran Supreme Leader Ali Khamenei)એ અમેરિકાને સ્પષ્ટ કહી દીધું છે કે, અમેરિકા ઈઝરાયલનો સાથ છોડશે, તો જ અમે તેમની સાથે મિત્રતા કરી શું.’ આ પહેલા ઓક્ટોબરમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘તેહરાન તૈયાર હશે તો અમેરિકા ઈરાન સાથે સહયોગ અને મિત્રતા કરાવ માટે તૈયાર છે. અમારી દોસ્તી અને સહયોગનો હાથ ખુલ્લો છે.’ જોકે, સવાલ એ છે કે, અમેરિકા ઈરાન પર પ્રતિબંધો ચાલુ રાખીને દબાણ વધારી રહ્યું છે અને બીજી તરફ મિત્રતાની વાત કરી રહ્યું છે. એટલે કે ટ્રમ્પ ડબલ ગેમ રહી રહ્યા છે, ત્યારે ઈરાન તેમના પર કેટલો વિશ્વાસ રાખે? ખામેનેઈનું આ નિવેદન ટ્રમ્પના નિવેદન તરફ ઈશારો કરતું હોય તેવું લાગી રહ્યું છે.પરમાણુ વિવાદ પર બંને દેશો વચ્ચે પાંચ વખત વાતચીત થઈ છે, પરંતુ એકેય બેઠકમાં તેનો નિવેડો આવ્યો નથી. વાતચીતમાં મુખ્ય મુદ્દો યુરેનિયમ સંવર્ધનનો છે. અમેરિકા અને તેના સાથી દેશો ઈચ્છે છે કે, પરમાણુ હથિયાર બનાવવાની સંભાવના ન રહે તે માટે ઈરાન યુરેનિયમ સંવર્ધન પ્રોગ્રામ સંપૂર્ણ બંધ કરી દે. જોકે ઈરાનનું પણ કહેવું છે કે, તેઓ પરમાણુ કાર્યક્રમ પણ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ કામ કરી રહ્યા છે અને આ મુદ્દો તેમના સાર્વભૌમ અધિકારોનો ભાગ છે.

Related Posts