અમરેલી

જમીનની ઉપરની સપાટી પર રહેતા સૂક્ષ્મ જીવો, અળસિયાંને પ્રતિકૂળ વાતાવરણથી બચાવવા જરૂરી

પ્રાકૃતિક ખેતી એ એક કૃષિ અભિગમ છે. જેમાં બાહ્ય ઈનપુટ્સ વાપરવામાં આવતા નથી. ઝેર મુક્ત ખોરાક ઉત્પાદન કરે છે. તેમજ જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય છે. તેથી ભારતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે.

પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોમાં ન્યૂનતમ બાહ્ય ઈનપુટ્સ, સ્વદેશી સુક્ષ્મ સજીવો પરની નિર્ભરતા, જમીનની ફળદ્રુપતા જાળવવી, જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવું વગેરે સમાવિષ્ટ છે.

આચ્છાદન શું છે ?

જમીનની ઉપરની સપાટી પર રહેતા સૂક્ષ્મ જીવો અને દેશી અળસિયાંને પ્રતિકૂળ વાતાવરણ જેવા કે તોફાન, અતિશય વરસાદ, ગરમી, ઠંડી કે અન્ય જોખમોથી બચાવવા માટે કુદરતી આવરણથી ઢાંકવામાં આવે છે, જેને આચ્છાદન કહે છે. જે સૂક્ષ્મ વાતાવરણ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.

આચ્છાદનના પ્રકારો કયા છે ? 

પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં મલ્ચિંગ મુખ્યત્વે ત્રણ કુદરતી રીતે કરવામાં આવે છે.

(૦૧) મૃદાચ્છાદાન :- ઊંચા તાપમાનને કારણે જમીનમાંથી કાર્બન હવામાં ભળે છે અને ભેજને શોષી લે છે. વાતાવરણમાં વધુ પડતી ગરમી કે ઠંડીને કારણે જમીન ફૂલી જાય છે અને સંકોચાય છે. તેથી જમીનમાં તિરાડો દેખાય છે. ઉપરાંત તિરાડોમાંથી ભેજ હવામાં વરાળ થઈ જાય છે. જેના કારણે જમીનમાં રહેલા બેક્ટેરિયા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થાય છે અને પાકના મૂળમાં પણ તિરાડો પડે છે. આ નુકશાનથી બચવા માટે જમીન પર હળવું ખેડાણ કરવું અનિવાર્ય છે. આવી રીતે જમીનને માટી અને વનસ્પતિના અવશેષોથી ઢાંકવાને મૃદાચ્છાદન કહેવાય છે.   જમીન ખેડ કરવાના પણ અનેક ફાયદા છે, બિનજરૂરી છોડ હળવા ખેડાણથી નાશ પામે છે. જમીનમાં ખેડાણથી પાણી સંગ્રહ ક્ષમતા વધે, ભેજનું પ્રમાણ પણ જળવાઇ રહે છે.

(૦૨) કાષ્ટાચ્છાદાન :- પાકના અવશેષોથી માટીને ઢાંકવાને કાષ્ટાચ્છાદાન કહેવાય છે. લણણી પછી માટીની સપાટીને તેના અવશેષોથી આવરી લેવાથી આચ્છાદનના ફાયદા મળે છે. સાથે સાથે જમીનમાં પાક દ્વારા ઉપયોગમાં લેવાતા પોષક તત્વો તેના અવશેષો દ્વારા ફરીથી જમીનમાં ભળી જાય છે. આ પ્રકારના આચ્છાદાનમાં જમીનના ઉપરના સ્તરને ચાર ઈંચની ઉંડાઈ સુધી પાકના અવશેષોથી ઢાંકવામાં આવે છે, જે નીંદણથી સંપૂર્ણ રાહત આપે છે. કારણ કે, નકામા છોડના બીજ જમીનમાં અંકુરીત થઈ શકતા નથી, જમીનને સીધો સૂર્યપ્રકાશ મળતો નથી.

(૦૩) સજીવાચ્છાદાન :- મુખ્ય પાકોમાં સહ પાકનું વાવેતર કરીને કરવામાં આવતા આવરણને સજીવાચ્છાદાન કહેવામાં આવે છે. આ આચ્છાદાનથી તમામ લાભો પ્રાપ્ત થાય છે. સાથે સહયોગી પાકમાંથી વધારાની આવક પણ મેળવી શકાય છે. જો મુખ્ય પાક સંવેદનશીલ હોય એટલે કે રોગ થવાની સંભાવના વધારે હોય તો તેમાં એવા સહપાકોનું વાવેતર કરવું જોઈએ જેમાં રોગ પ્રતિરોધક શક્તિ વધુ હોય, જેના કારણે મુખ્ય પાકનો રોગ વિભાજીત થાય છે. સહપાકથી કુદરતી રોગ નિયંત્રણ થાય છે.

Related Posts