“જળ એ પૃથ્વીનું માત્ર તત્વ નથી, પરંતુ પંચામૃત છે” રાજુલા – જાફરાબાદ પંથકમાં જળ સંરક્ષણના કાર્યને પ્રોત્સાહન હેતુસર આજરોજ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટ અને શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં ‘જળ સંમેલન’ યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સ્થિત શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એ ગુજરાત સ્થિત એક અગ્રણી NGO છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જળ સંરક્ષણના કાર્યોને વેગવંતા બનાવવાનો છે. આ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારી થકી કુલ ૧,૧૧,૧૧૧ ચેકડેમ બનાવવાનો ભગીરથ સંકલ્પ કરવામાં આવ્યો છે. જળ સંકટને દૂર કરવા માટે વિવિધ સ્થળોએ જળકથા સહિતના જનજાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે.
અત્રે એ પણ જાણવું જરૂરી છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ જળસંચય અભિયાન અમલી છે. રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ચેકડેમ નિર્માણ સહિતના કાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ સંકલ્પ અને સફળ પ્રયત્નો થકી આજે દેશમાં વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન મળી રહયું છે, જળ સંરક્ષણ અભિયાન વેગવાન બન્યું છે. સૌરાષ્ટ્રમાં જળ સંકટ ભૂતકાળ બને તે દિશામાં સતત કામગીરી આગળ ધપી રહી છે. ‘ગામના પાણી ગામમાં, સીમના પાણી સીમમાં’ વિચારને અમલી બનાવી દરેક ખેડૂત જળ સંચય માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધે તે જરૂરી છે. જળ સંરક્ષણ થકી ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને પણ બળ મળ્યું છે.
આ કાર્યક્રમમાં સૌ સાથે મળીને સહકારથી ભગીરથ પ્રયત્નો થકી જળ સંરક્ષણને જન અભિયાન બનાવવા પ્રતિબદ્ધતા સાથે સંકલ્પબદ્ઘ બન્યા હતા.
ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, જળ સંચય એ સૌની સહિયારી જવાબદારી છે. તેમણે અમરેલી જિલ્લામાં જળ સંરક્ષણના વિવિધ કાર્યોની માહિતી આપતા ઉમેર્યું કે, અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારે જળ સંચય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરી છે.
રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત ‘જળ સંમેલન’ કાર્યક્રમમાં શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ,રાજકોટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા અને ટ્રસ્ટીશ્રીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ, આહીર સમાજ અગ્રણી શ્રી રઘુભાઈ હુંબલ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં રાજુલા-જાફરાબાદ પંથકના ખેડૂતો, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments