અમરેલી

અમરેલીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત ભરતી મેળામાં યુવાઓની નોકરીની શોધ પૂર્ણ થઇ

અમરેલી શહેરમાં રોજગાર સપ્તાહ અંતર્ગત આયોજિત રોજગાર ભરતી મેળામાં અનેક યુવાનોએ પોતાની કારકિર્દીનો પ્રથમ ડગ માંડ્યો છે. આ ભરતી મેળાના માધ્યમથી જેમને સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી પ્રાપ્ત થઈ છે. તેવા કુ. એકતા દેસાણી કહે છે કે, જેમની પાસે શૈક્ષણિક લાયકાત છે, તેમણે જરૂરથી જિલ્લા રોજગાર કચેરી ખાતે પોતાનું નામ નોંધાવવું જોઈએ અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત રોજગાર મેળામાં ભાગ લેવો જોઈએ.

તેમણે જણાવ્યું કે, મારી પાસે કૌશલ્ય હતું અને મને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રસ હતો, તેમાં જ નોકરી મળવાથી ખૂબ ખુશ છું. તેવા જ એક રોજગાર ભરતી મેળામાં સહભાગી બનેલા કુ. બિજલ રંગપરા જણાવે છે કે, મારી નોકરીની શોધ આ ભરતી મેળામાં પૂર્ણ થઈ છે, મને એલ.આઇ.સી એજન્ટ તરીકે નોકરી મળી છે, જેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, તેમણે અચૂકથી રોજગાર ભરતી મેળામાં ભાગ લેવો જોઈએ.

સિન્ટેક્સ કંપનીના એચ. આર. શ્રી દિનેશ મારૂ પણ નોકરીદાતા તરીકે આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા, તેમણે કહ્યું કે, સ્કિલ્ડ મેન પાવરની હંમેશા જરૂરિયાત રહેતી હોય છે, જે આ ભરતી મેળાના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તેના માટે રાજ્ય સરકાર અને સરકારી કચેરીઓનો જરૂરી સહયોગ મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત અને સફળ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, જેને ગુજરાત સરકાર જનહિતના કાર્યક્રમો થકી વિકાસ સપ્તાહરૂપે ઉજવણી કરી રહી છે.

Related Posts