fbpx
અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ખેડૂતો માટે લેવાયેલ નિર્ણયને આવકારતા કૌશિક વેકરિયા

વિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય માટે ખેડૂતો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા.ખેડૂતોની રજૂઆતો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રો-એક્ટિવ અને પરિણામકારી અભિગમથી અનેક ખેડૂતોને રાહત મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. જે  રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને મુખ્યમંત્રીશ્રીએ આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે. તદ્અનુસાર, રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.૨૬/૧૨/૨૦૦૮ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.

આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે.મુખ્મંત્રીશ્રીના આ પ્રજાલક્ષી નિર્ણયથી અનેક ખેડુતોને રાહત થશે તેમ જણાવી ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવી ખેડૂતો વતી આભારની લાગણી વ્યક્ત કરેલ છે.

Follow Me:

Related Posts