ગુજરાત

સરહદીવિસ્તારોના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે લાખો રૂપિયા ભાવ બોલાય છે. કરોડોરૂપિયાના હપ્તા દર મહિને ગાંધીનગર સુધી પહોંચે છે : અમિત ચાવડા

·        સરહદી વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે લાખો રૂપિયા ભાવ બોલાય છે. કરોડો રૂપિયાના હપ્તા દર મહિને ગાંધીનગર સુધી પહોંચે છે : શ્રી અમિત ચાવડા

·        ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઉભા કરનાર સરકારને 2027માં ખેડૂતો ઘરભેગી કરશે,ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ હોમ ડિલિવરી થાય પણ ખેડૂતોને ખેતી માટે ખાતર ન મળે : શ્રી અમીત ચાવડા

·        ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીઆદિવાસી સમુદાયના વિકાસની યોજનાઓમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર : ડૉ. તુષારભાઈ ચૌધરી

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો, યુવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા અને આદિવાસી સમાજે પોતાના હક્ક, અધિકાર અને ન્યાય માટે એકતાબદ્ધ બની લડત લડવા સંકલ્પ કર્યો.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ સરકારની આદિવાસી વિરોધી નીતિઓ અંગે તીવ્ર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકારે આદિવાસી સમાજની જમીન, જંગલ અને પાણી ઉપરના હક્કોને છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં રોજગારનો અભાવ છે, આરોગ્ય-શિક્ષણની સ્થિતિ અત્યંત નબળી છે અને વિકાસના નામે આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં સરપંચ, તલાટી જાતિના દાખલા કાઢી આપતા, આજે ભાજપના રાજમાં જાતિના દાખલા લેવા માટે આદિવાસી સમુદાયને ભટકવું પડે છે. GPSC જેવી ભરતી પરીક્ષાઓમાં જાતિના આધારે માર્ક્સ આપવામાં આવી અન્યાયપૂર્વક OBC, SC, ST સમુદાયના વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવામાં આવે છે.

ભાજપના રાજમાં તમામ વર્ગો આજે દુઃખી છે. રાજ્યમાં ખાતરની તંગી છે, ખેડૂતો ગામેગામ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બને છે, છતાં ખાતર મળતું નથી. મળે તો બે ગણો ભાવ લેવાય છે. ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી ચાલી રહી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કારણ કે આ ભાજપના મળતીયાઓ જ કરી રહ્યાં છે. તેથી ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે.

આગળ તેઓએ જણાવ્યું કે સરકાર ખેડૂતોને પેકેજના નામે પડીકું આપે છે. ફિક્સ પે, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થાય છે. સરકારના તમામ વિભાગોમાં પૈસા આપ્યા વગર લોકોના કામ થતા નથી. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની રેલમછેલ છે. સરકાર હપ્તા લે છે, પરંતુ કોંગ્રેસે આ મુદ્દાઓ પર લડત શરૂ કરતા જ સીએમ અને ડેપ્યુટી સીએમની ઊંઘ હરામ થઈ ગઈ છે. એમને સપનામાં પણ કોંગ્રેસ જ દેખાય છે અને ડર લાગે છે કે કોંગ્રેસ હપ્તા બંધ કરાવી દેશે. અને જો આવું થશે તો ઉપર મોટા સાહેબોને શું જવાબ આપશું કારણ કે આજ પૈસાનો ઉપયોગ ચૂંટણી લડવા માટે થતો રહ્યો છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસની જ સરકાર હતી જેણે આદિવાસી સમુદાયના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું હતું. આદિવાસી સમુદાયને જળ, જમીન, જંગલ અને શિક્ષણના અધિકારો આપ્યા હતા. બીજી તરફ ભાજપ સરકાર આદિવાસી સમુદાયને પ્રતાડિત કરી રહી છે અને તેમના હક્ક અને અધિકારો છીનવવાના પ્રયાસો કરી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો વિકાસના નામે આદિવાસી સમાજની જમીનો અને મૌલિક અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે.

આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી બી.વી. શ્રીનિવાસ, ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, શ્રી અનંત પટેલ, શ્રી કાંતિભાઈ ખરાડી, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, ST ડિપાર્ટમેન્ટ ચેરમેન શ્રી રાજુભાઈ પારધી, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા. 

Related Posts