ગુજરાત

ખાંભા ગીર વિસ્તારમાં બે માસૂમ બાળકો પર દીપડાનો હુમલો, વિસ્તારમાં ભયનો માહોલ

દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં દીપડાના હુમલાની બે ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે, જેમાં બે માસૂમ બાળકો ઘાયલ થયા છે. વન્યપ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના અને હુમલા કરવાના સતત વધી રહેલા બનાવોએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે.પ્રથમ ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભા ગીર વિસ્તારમાં બની હતી. અહીં એક ત્રણ વર્ષની બાળકી પોતાના ઘર પાસે ફટાકડા ફોડી રહી હતી, તે દરમિયાન અચાનક દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાના આ હુમલામાં માસૂમ બાળકીને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ઈજાગ્રસ્ત બાળકીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઇજાગ્રસ્ત બાળાના માતાએ આ હુમલા બાદ વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે, આ વિસ્તારમાં ફરતા દીપડાને વહેલી તકે પકડી લેવામાં આવે જેથી અન્ય બાળકો અને લોકો સુરક્ષિત રહી શકે.બીજી ઘટના જૂનાગઢના રાયપુર ગામે વાડી વિસ્તારમાં નોંધાઈ છે. અહીં વાડીમાં રહેતા એક પરપ્રાંતીય મજૂર પરિવારના ત્રણ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો ઘરની ઓસરીમાં ઘૂસી આવ્યો હતો અને બાળક પર હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ હુમલા બાદ બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ અહીં દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.ટૂંકા સમયગાળામાં બાળકો પર દીપડાના હુમલાની બે ઘટનાઓ સામે આવતા ગીર અને આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાહટ વ્યાપી ગયો છે. જંગલ વિસ્તારની નજીક વસતા લોકોની સુરક્ષાને લઈને વન વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોએ વન વિભાગ સત્વરે દીપડાઓને પાંજરે પૂરીને આ વિસ્તારના લોકોને દીપડાના આતંકમાંથી મુક્તિ અપાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

Related Posts