ભાવનગર

નવા વર્ષના નવા સંકલ્પ સાથે મેદસ્વીતાને માત આપીએ, વર્ષ ૨૦૨૬માં સ્વસ્થ જીવન શૈલી અપનાવીએ

નવું વર્ષ નવી આશા, આનંદ, ઉત્સાહ અને સકારાત્મક બદલાવનો સંદેશ લઈને આવે છે. ત્યારે
૨૦૨૬માં પ્રવેશ કરતી વખતે આપણે બધા સ્વસ્થ, તંદુરસ્ત અને સક્રિય જીવન તરફ પગલું ભરીએ તે
અત્યંત જરૂરી છે. આજના ફાસ્ટ યુગ અને ફાસ્ટફૂડના ભોજનના સમયમાં મેદસ્વિતા એક ગંભીર આરોગ્ય
સમસ્યા બની ગઈ છે, જે ડાયાબિટીસ, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ અને સંયુક્ત રોગો જેવી અનેક
બીમારીઓનું કારણ બને છે. તેથી નવા વર્ષનો આપણો સંકલ્પ મેદસ્વિતા દૂર કરવાનો અને સ્વસ્થ જીવન
અપનાવવાનો હોવો જ જોઈએ.
સંતુલિત આહાર મેદસ્વિતાને હરાવવાનું પહેલું પગલું છે. આપણા દૈનિક આહારમાં લીલા શાકભાજી,
ઋતુ અનુસાર ફળો, સંપૂર્ણ અનાજ, દાળ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તેલ, ખાંડ,
મીઠું તથા જંકફૂડ અને ફાસ્ટફૂડનો ઉપયોગ મર્યાદિત રાખવો જરૂરી છે. જંકફૂડ અને મીઠા પીણાંથી દૂર રહેવું
એ સ્વસ્થ શરીર તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ મેદસ્વિતાને હરાવવાનું બીજું મહત્વપૂર્ણ પગલું છે. રોજ ઓછામાં ઓછું
૩૦ થી ૪૫ મિનિટ ચાલવું, દોડવું, યોગા, પ્રાણાયામ અથવા સાયકલિંગ કરવાથી શરીરમાં ચરબી ઘટે છે
અને શરીરને ઊર્જા મળે છે. લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરવો. આવી, નાની નાની પ્રવૃત્તિઓ પણ
લાંબા ગાળે સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવે છે. સાથે સાથે પૂરતી ઊંઘ અને તણાવ નિયંત્રણ પણ એટલા જ
જરૂરી છે. અપૂરતી ઊંઘ અને સતત તણાવ વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે. રોજ ૭ થી ૮
કલાકની ઊંઘ અને ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવી શકાય છે.
વર્ષ ૨૦૨૬માં સ્વસ્થ જીવન અપનાવવાનો સંકલ્પ માત્ર વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ પરિવાર
અને સમાજના આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. નિયમિત આરોગ્ય તપાસ, તબીબી સલાહ અને સકારાત્મક
જીવનશૈલી દ્વારા આપણે મેદસ્વીતાને માત આપીને સ્વસ્થ જીવન જીવીએ.

Related Posts