ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા વિદાય લેતાં પહેલા સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી 21થી વધુ જિલ્લામાં અને 18-19 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. દર વખતની જેમ આ વર્ષે પણ રાજસ્થાનમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાની શરૂઆત થઈ છે. રાજસ્થાનમાંથી શરૂ થયેલ ચોમાસાની વિદાય આગામી બે દિવસમાં ગુજરાત અને પંજાબમાં પણ શરૂઆત થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (મંગળવાર 16 સપ્ટેમ્બર) ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરુચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
17 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરુચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે. 15થી 17 સપ્ટેમ્બર સુધી 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે.
જ્યારે 18-19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ બે દિવસ દરમિયાન 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગરબા રસીયાઓને નિરાશ કરતી આગાહી કરતા કહ્યું છે કે, નવરાત્રીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે, જેમાં હળવો વરસાદ તો ક્યારેક ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે.
Recent Comments