ચૂલા બળે છે શ્વાસમાં, પણ બાટલા ખાલી રહે,
આશા તણા આશ્વાસનોના ટ્વિટ પણ ખાલી રહે.
કતારમાં ઊભો રહ્યો છે આખો માણસ આજ તો,
મોંઘવારીના આ ખેલમાં બસ ખિસ્સા ખાલી રહે.
–“પાંધી સર”
છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં રાંધણ ગેસ (LPG) ને લઈને અનેક તર્ક-વિતર્કો વહી રહ્યા છે. એકતરફ તંત્ર દ્વારા ગેસની પૂરતી ઉપલબ્ધતાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. ગેસ એજન્સીઓ પર લાગતી લાંબી કતારો અને રીફીલિંગ માટેના સમયગાળામાં થયેલો વધારો અનેક સવાલો જન્માવે છે.
શહેરોના બૌદ્ધિક વર્તુળોમાં અત્યારે ગેસની કટોકટી ચર્ચાનો વિષય બની છે. જો અછત નથી, તો રીફીલિંગનો સમય શા માટે વધારવામાં આવ્યો? ભાવવધારા પાછળનું તર્ક શું છે? સરકારે પણ આ ઈંધણ સંદર્ભે એસ્મા કાનૂનનો અમલ કરવાનો ઈરાદો જાહેર કર્યો? માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ રેસ્ટોરન્ટ માલિકો પણ ગેસના અભાવે પોતાની લાચારી વ્યક્ત કરી રહ્યા છે.સરકારે રેસ્ટોરન્ટને કોલસો વાપરવાની પણ મંજૂરી આપી છે એવું જાણવા મળ્યું છે. શું આ ખરેખર અછત છે કે પછી માત્ર કૃત્રિમ ‘પેનિક’ ઊભું કરવામાં આવ્યું છે?
ગેસની આ અનિશ્ચિતતાને કારણે લોકો હવે પરંપરાગત ઈંધણ છોડીને ટેકનોલોજી તરફ વળ્યા છે. બજારમાં ઈલેક્ટ્રિક ઇન્ડક્શન ચુલાના વેચાણમાં અસાધારણ ૨૫ થી ૩૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, લોકો હવે કાયમી ઉકેલ તરીકે સોલાર કૂકરનો ઉપયોગ પણ વધારી રહ્યા છે.
મિડિયા જગતે પણ હવે માત્ર ઓફિશિયલ નિવેદનો પર નિર્ભર રહેવાને બદલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ સ્થિતિનું સાચું સર્વેક્ષણ કરવાની જરૂર છે. શું માત્ર એક ટ્વિટ કે સરકારી ખુલાસો સામાન્ય માણસના ખાલી થયેલા ચૂલાને સંતોષ આપી શકશે? એ તો આવનારો સમય જ કહેશે. જો કે મળતા સમાચાર મુજબ ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ભારતીય ગેસ વહન કરતાં જહાજોને જવા માટે મંજૂરી આપી હોય તેવા સમાચાર જાણવા મળે.. જો કે આ પરથી એક બોધપાઠ જરૂર લેવો જોઈએ કે હવે સમય આવી ચૂક્યો છે આત્મનિર્ભર ઈંધણ માટે વિપુલ પ્રમાણમાં સંશોધન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસિલ કરવાનો.. કારણ કે બળતણ એ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. જ્યારથી માનવ સંસ્કૃતિએ અગ્નિની શોધ કરીને રાંધેલાં ભોજનનો પ્રારંભ કર્યો ત્યારથી ઈંધણ એ આવશ્યક જરૂરિયાતની શ્રેણીમાં મૂકાય છે.
















Recent Comments