ગુજરાત

મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા

જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા. આ પછી 3 દિવસની સઘન શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ બુધવારે (5 નવેમ્બર) ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેવામાં ગુરુવારે (6 નવેમ્બર) આશ્રમના મહંત હરિહરાનંદે લઘુમહંત મહાદેવ ભારતીને લઘુમહંત સહિત આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવ્યા હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, મહાદેવ ભારતી બાપુને આશ્રમના તમામ પદ પરથી હટાવાયા છે. મહાદેવ ભારતીને હવે જૂનાગઢ ભારતી આશ્રમ સાથે કોઈ પ્રકારે લેવા દેવા ન હોવા મામલે આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદે જણાવ્યું હતું.  તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા બાદ પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગિરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરીને પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા.પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરિફિકેશન પણ કર્યું હતું. ત્રણ દિવસની અથાગ મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવ્યા હતા. 

Related Posts