રાષ્ટ્રીય

નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન; હું તમારા બધા માટે અંતિમ શ્વાસ સુધી લડીશ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, હું બંગાળના શિક્ષકોનું રક્ષણ કરીશ અને તેમનું સન્માન પાછુ અપાવીશ. મારે જેલ જવુ પડે તો પણ હું તૈયાર છું. જે પણ લોકોએ ચુકાદા બાદ નોકરી ગુમાવવી પડી છે તેમની સાથેની એક બેઠકમાં મમતા બેનરજીએ આ તમામ લોકોને પોતાના કામ પર પરત ફરવા કહ્યું હતું અને સેવાભાવે પોતાનું કામ શરૂ રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જાે મારે જેલ જવુ પડે તો પણ હું તૈયાર છું. મારુ વચન છે કે જે પણ વ્યક્તિ નોકરીને લાયક છે તેની સાથે અન્યાય નહીં થવા દઉ. જ્યાં સુધી જીવીત છું ત્યા સુધી મારી આ લડાઇ લડતી રહીશ.
તેમજ મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો પણ કર્યો હતો કે, કોઇને પણ ટર્મિનેશન લેટર નથી મળ્યો, તેથી તમે લોકો તમારુ કામ શરૂ રાખો, તમે લોકો સ્વેચ્છાએ સેવા આપવા માટે સ્વતંત્ર છો. ત્રણ એપ્રીલના સુપ્રીમે ચુકાદો આપ્યો હતો જેમાં કલકત્તા હાઇકોર્ટના એ ચુકાદાને માન્ય રાખ્યો હતો જેમાં ૨૫ હજારથી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયાને ગેરકાયદે જાહેર કરી હતી તેથી આ તમામ લોકોની નોકરી જતી રહી છે. જાેકે મમતાએ તેમને ખાતરી આપી છે કે કોઇની પણ નોકરી નહીં જાય.
સાથેજ સીએમ મમતાએ ખાતરી આપી હતી કે, પશ્ચિમ બંગાળની સરકાર આ મુદ્દે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા માગશે સાથે જ જાે જરૂર પડશે તો ચુકાદા મુદ્દે રિવ્યૂ પિટિશન પણ દાખલ કરશે. હવે શાળાઓનું સંચાલન કોણ કરશે? જે પણ લોકોની નોકરી મુશ્કેલીમાં છે તેમનું કામ કોણ સંભાળશે? બીજી તરફ કેટલાક શિક્ષકો કે જેમણે નોકરી ગુમાવી છે તેમણે મમતા સરકાર પર રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, તેમની કેબિનેટ અને આયોગ તમામ લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે. મમતાએ આજે નોકરીના બદલામાં માત્ર લોલીપોપ આપી છે અને કહ્યું છે કે ૨૫ હજાર લોકોને સ્વેચ્છિક કામ આપવામાં આવશે.

Related Posts