નદી નાવલીના કાંઠે ભક્તિનો કેવો નિખાર બેઠો છે,
સેવા કાજે જુઓ હનુમંતનો આખો દરબાર બેઠો છે.
ક્યાંક યજ્ઞની આહુતિ તો ક્યાંક રક્તનું દાન વહે છે,
સાવરકુંડલાના આંગણે આજે ખુદ પરવરદિગાર બેઠો છે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં આવેલ પવિત્ર નાવલી નદીના કાંઠે બિરાજમાન આસ્થાના પ્રતીક એવા શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવની દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભક્તિની સાથે સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત વિશ્વ શાંતિના અર્થે યોજાયેલા મહાયજ્ઞથી થઈ હતી. ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને ઉનાળાની ઋતુને ધ્યાને રાખી પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણનું આયોજન કરાયું હતું. વિશેષ નોંધનીય બાબત એ રહી કે, અનેક ભાવિકોએ અંગદાન અને દેહદાનના સંકલ્પ કરી સમાજને નવી રાહ ચીંધી હતી.
મહોત્સવમાં નાના ઝીંઝુડાના મહંત પૂજ્ય મસા પીર બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. સાંજની મહાઆરતી, સમૂહ હનુમાન ચાલીસા અને લોકડાયરાના સુરાવલીઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારો ભક્તોએ પંગતમાં બેસી મહાપ્રસાદ ગ્રહણ કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આશ્રમ પરિવાર અને સ્વયંસેવકોની શિસ્તબદ્ધ કામગીરીએ આ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો.


















Recent Comments