અમરેલી

સંસ્કાર વિરુદ્ધ શિષ્ટાચાર… શું આપણે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં મૂળિયાં ભૂલી રહ્યા છીએ?

– – મૈત્રીનું ઝરણું–

​સંસ્કારની એ શૈલી હવે શિષ્ટાચાર થઈ ગઈ,

હતી જે લાગણી, પ્રદર્શનનો વહેવાર થઈ ગઈ.

​હતું જ્યાં સ્નેહનું ભાથું ને માવજત સંબંધોની,

ત્યાં ‘હાય-હેલ્લો’ ને ‘બ્રેકઅપ’ની ભરમાર થઈ ગઈ.

​કદી જે નિત્ય વહેતું હતું મૈત્રીનું મીઠું ઝરણું,

એક જ દિવસના પૂરતી હવે ઉજવણી યાર થઈ ગઈ.

​હતી મૈત્રી હૃદયની વાત, ક્યાં હતી આ માયા?

આ ચડસાચડસીમાં હવે તો જીત-હાર થઈ ગઈ.

​સંતુલન ખોવાયું છે અહીં દંભ ને દેખાડામાં,

મહત્વાકાંક્ષા મૈત્રીના પાયામાં દરાર થઈ ગઈ.

–“પાંધીસર”

આજના સમયમાં ભારતીય સમાજ જે રીતે પશ્ચિમી દેશોની જીવનશૈલી અપનાવી રહ્યો છે, તેના પર જાણીતા લોક ગાયિકા માલિની અવસ્થીએ લાલબત્તી ધરી છે. લખનૌમાં આયોજિત ‘સાહિત્ય આજતક’ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર નેહા બાથમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “આપણે પશ્ચિમી દેશોના પ્રભાવ હેઠળ એવા સમાજ તરફ વળી રહ્યા છીએ જ્યાં બાળકોને સહજ સંસ્કાર આપવાને બદલે શિષ્ટાચાર (Etiquettes) શીખવવામાં આવે છે.”

​માલિની અવસ્થીનું આ નિવેદન ભારતીય ઉછેર પદ્ધતિમાં આવી રહેલા મોટા બદલાવ તરફ ઈશારો કરે છે. તેમના મતે

​ ‘એટીકેટ્સ’ અથવા શિષ્ટાચાર એ મોટે ભાગે દેખાવો અને સામાજિક વ્યવહાર પૂરતો મર્યાદિત હોય છે (જેમ કે કાંટા-ચમચીથી ખાવું કે ‘થેન્ક યુ-સોરી’ બોલવું). જ્યારે ‘સંસ્કાર’ એ બાળકના આત્મા અને ચરિત્રનું ઘડતર કરે છે, જે કુદરતી અને સહજ હોય છે.

​ આજના વાલીઓ બાળકને સમાજમાં કેમ ‘પ્રસ્તુત’ થવું તે શીખવવામાં એટલા વ્યસ્ત છે કે બાળકને નૈતિક મૂલ્યો, વડીલો પ્રત્યેનો આદર અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ શીખવવાનું ભૂલી રહ્યા છે.

​ પશ્ચિમી દેશોનું અનુકરણ કરવાને કારણે આપણી લોકભાષા, લોકગીતો અને પારિવારિક પરંપરાઓ વિસરાઈ રહી છે.

​સમાજ પર થતી અસરો

​આ અહેવાલ મુજબ, જો સંસ્કારો પર શિષ્ટાચાર હાવી થઈ જશે, તો ભવિષ્યની પેઢી ભાવનાત્મક રીતે ઓછી સંવેદનશીલ અને દેખાડામાં વધુ માનતી થશે. સાહિત્યિક મંચ પરથી માલિની અવસ્થીએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ બાળકોને આધુનિક જરૂર બનાવો, પરંતુ તેમનામાં ભારતીયતાના બીજ પણ રોપો.

​”બાળકોને ‘ગુડ મોર્નિંગ’ શીખવતા પહેલા ‘ચરણ સ્પર્શ’ કે ‘નમસ્તે’ ની સહજતા અને તેની પાછળની ભાવના સમજાવવી જરૂરી છે.”

Related Posts