ભાવનગર

ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા મહોત્સવ–૨૦૨૬’ યોજાયો

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ, ભાવનગરના
સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‘માતૃભાષા સપ્તાહ’ અંતર્ગત ‘માતૃભાષા
મહોત્સવ–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરની શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહારાજા
કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. વિપુલભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, માતૃભાષા
માનવજીવનની પ્રથમ ઓળખ છે. માતૃભાષા માત્ર સંવાદનું સાધન નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક
મૂલ્યોનો આધારસ્તંભ છે. વ્યક્તિ પોતાના વિચાર, ભાવના અને જ્ઞાનને અસરકારક રીતે માતૃભાષા દ્વારા વ્યક્ત કરી
શકે છે.
૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા વિશ્વ માતૃભાષા દિવસના મહત્ત્વ અંગે તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ભાષાઓના
સંરક્ષણ અને સન્માન માટે આ દિવસ વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવે છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને આધુનિક
ટેકનોલોજીના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ભાષાના સચોટ અને સંસ્કારપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવો આવશ્યક
છે.
આ પ્રસંગે બીજા વક્તા સરકારી કોલેજ ઘોઘાના ગુજરાતી વિષયના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અનિરૂદ્ધસિંહ
ગોહિલે જણાવ્યું હતું કે, ભાષા માત્ર અવાજ કે વર્ણોની રચના નથી, પરંતુ લાગણી, વિચાર અને સર્જનની
અભિવ્યક્તિનું શક્તિશાળી માધ્યમ છે. ભાષા વ્યક્તિના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

ગુજરાતી ભાષાના મહિમાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, દલપતરામથી લઈને વિનોદ જોષી સુધીના
સાહિત્યકારોએ ભાષાને સમૃદ્ધ બનાવી છે. માતૃભાષાનું સંવર્ધન દરેકની સામૂહિક જવાબદારી છે.કાર્યક્રમના અંતે
ઉપસ્થિત સૌએ ગુજરાતી હસ્તાક્ષર કરીને પોતાનો માતૃભાષા પ્રેમ દર્શાવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન ડૉ. મહેન્દ્રસિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ડૉ. જિતેન્દ્રભાઈ મકવાણા
દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ડૉ. ભરતભાઈ ભટ્ટ, ડૉ. ધવલભાઈ ચૌધરી સહિત કોલેજના સૌ અધ્યાપકો અને અભ્યાસ કરતી
વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Related Posts