ગુજરાત

મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવતા નદીઓમાં ઘોડાપૂર

રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ સાથે પાવી જેતપુર, ભરૂચ નેત્રંગમાં 5 ઇંચથી વધુ વરસાદ છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. ઉપરવાસમાં મુશળધાર વરસાદ ખાબક્તા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે સુપા ગામ નજીક આવેલો લો-લેવલ બ્રિજ પર પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ કરવામાં આવી છે. જેથી 10 ગામના લોકોને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નવસારી શહેરની નદીઓમાં ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક થઈ રહી છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તર સતત વધી રહ્યાં છે. જેને પગલે નજીકના ગામોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની ધરખમ આવક થઈ છે. જેના પગલે આ વર્ષે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર 291 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 40 સેમીનો વધારો થયો છે.

Related Posts