વડોદરા શહેર અને જિલ્લાના મંદિરોને ટાર્ગેટ કરતી મેડા ગેંગના સભ્યોને ઝડપી લેવામાં આવ્યા

શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી રાત્રીના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા જેની તપાસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન પંચમહાલની મેડા ગેંગ સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું.
આ દરમિયાન પોલીસને એક બાતમી મળી હતી કે, મેડા ગેંગના ત્રણ સાગરીતો ચોરીનો માલ લઈને હાલોલથી સુરત બાઈક પર જઈ રહ્યા હોવાની માહિતી મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમએ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી જેમાં પોલીસે ઉમેશ બચુભાઈ મેડા, આજે બચુભાઈ મેડા (બંને રહે. ગુલબાર ગામ,ગરબાડા,દાહોદ) અને ગોવિંદ દલબીરભાઈ મચ્છાર(સીમલીયા ખુદૅ ગામ, ગરબાડા) ને બે બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. ત્રણેય જણાની થેલીમાંથી રૂ.૨.૦૨ લાખ રોકડા, સોના અને ચાંદીની લગડી, ભગવાનના દાગીના તેમજ મૂર્તિઓ અને પરચુરણ મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા જુદા-જુદા વિસ્તારોમાં ૨૨ મંદિરોમાં કરેલી ચોરીની કબુલાત કરી હતી.
પોલીસ તપાસમાં ચોરોએ કબૂલ્યું હતું કે, અગાઉ ચોરી અને ધાડના બનાવોમાં બનાવવામાં લાંબો સમય જેલમાં રહેવું પડ્યું હોવાથી તેમજ ઘર માલિક જાગી જાય તો અથડામણ થતી હોવાથી મંદિરોને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓ મોટર સાયકલ લઈને વડોદરા આવતા હતા. અહીં અગાઉથી પાર્ક કરી રાખેલી બીજી મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા અને ચોરીના સ્થળે જવા માટે અગાઉથી રેકી કરી આખો દિવસ બાગમાં પસાર કરતા હતા. રાત્રે દૂર બાઇક મૂકીને મંદિરોને નિશાન બનાવી ચોરીમાં વાપરેલી બાઈક બ્રિજ નીચે પાર્ક કરી હાલોલથી લાવેલી મોટર સાયકલ પરત કરવાના થતા હતા.
Recent Comments