રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક કરી છે અને વરસાદની આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ સજ્જ છે. હાલમાં NDRFની 12 અને SDRFની 20 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવેલી છે.
અમદાવાદ, ભાવનગર, દ્વારકામાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવેલી છે. ત્યારે જૂનાગઢ, કચ્છ, મહેસાણામાં NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. મહીસાગર, પોરબંદર, રાજકોટમાં NDRFની 1-1 ટીમ તથા સાબરકાંઠા, સુરત, વલસાડમાં પણ NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે જ SDRFની 20 ટીમ પણ અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (રવિવાર) રાજ્યના 26 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં રેડ ઍલર્ટ છે.
જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર, રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આવતીકાલે 8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી. મુખ્ય સચિવએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું.
મુખ્ય સચિવશ્રીએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં, આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું.


















Recent Comments