અમરેલી

અમરેલી ખાતે રાજ્યની એકમાત્ર કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના મોડલ ફાર્મમાં બાજરી અને તુવેરના છોડે ખેડૂતોને આશ્ચર્યમાં મૂક્યાં

અમરેલી ખાતે રાજ્યની એકમાત્ર કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના મોડલ ફાર્મમાં પ્રાકૃતિક કૃષિનો એક ચમત્કાર સર્જાયો છે, જેને ખેડૂતોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. બન્યું એવું છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બાજરીના ૪ મીટર અને તુવેરના ૩ મીટર ઊંચી તુવેરના છોડ થાય છે. એટલું નહીં છોડોમાં ફાલ પણ લબાલબ છે. આમ, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી ઉપજ સામાન્ય કરતાં વધુ મળે છે.

વિશ્વની એક માત્ર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ જે પ્રાકૃતિક કૃષિમાં શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણની કામગીરી સાથે પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે ગુજરાત સરકારના સહયોગથી કાર્યરત થઈ ચૂકી છે. જેનું એક કેમ્પસ એટલે કે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ જે અમરેલી ખાતે વિકાસ પામી રહ્યું છે. હાલ આ કોલેજમાં કુલ ૩૪ જેટલા વિધાર્થીઓ B.Sc. (Hons.) Natural Farming માં અભ્યાસ કરે છે. તેમજ આ કોલેજ ઓકટોબર ૨૦૨૪માં કાર્યરત થઈ છે,  ત્યાર પછી આ કોલેજ દ્વારા એક જ વર્ષમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ચોમાસું ઋતુના તમામ મિશ્રપાક મોડેલમાં સફળતા મેળવી છે. જેમાં હાલ બાજરી, સૂર્યમુખ અને મગ, અડદ, કપાસ, સોયાબીન અને જુવાર, બાજરી, સૂર્યમુખી અને ભીંડા, સોયાબીન, અને પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય બાગબાની મોડેલ મુખ્ય છે. સાથે પંચસ્તરીય મોડેલમાં હળદર, આદું, સોયાબીન, જુવાર, બાજરી, ખરસાણી, મગફળી, મકાઇ, તુવેર, પાલક જેવા ઋતુ પાક સાથે કુલ ૩૦-૩૫ જાતના ફળપાક ઉપસ્થિત છે.

વિશેષ વાત કરીએ તો આ તમામ પાક મોડેલમાં વિધાર્થીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા અવલોકન કરતાં બાજરાની સરેરાશ ઊંચાઈ ૩.૫ થી ૪ મીટર અને સાથે તેની ડુંડાની લંબાઈ ૦.૯ થી ૧ મીટર સુધી જોઈ આશ્ચર્ય થયું હતું. તેમજ આ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલ સોયાબીનની સરેરાશ ૧૦૦-૧૪૦ જેટલી શિંગો જોવા મળી. તેમજ ૧ મીટરની લાઇનમાં ડાંગરમાં ૭૫-૮૦ ટિલર (ફૂટ) આવેલ છે, આશ્ચર્યની વાત તો એ છે કે, આ ડાંગરની દેશી વેરાઇટી છે. જે અંબાયમોર નામે પ્રખ્યાત છે. આ ડાંગર હાલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાગ્યેજ કોઈ હજુ સુધી વાવતું હશે. ત્યારે આ કોલેજ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી સૌરાષ્ટ્રના ખેડૂતના ખેતરે પણ પ્રાકૃતિક ઢબે આ ડાંગરનો પાક ફરી શરૂ થઈ શકે. તેમજ આ કોલેજ ખાતે આવતા ખેડૂતો અવાર નવાર મુલાકાતે આવતા હોય તેઓએ ડાંગરના પ્લોટની મુલાકાત લેતા તેમાંથી આવતી સુગંધની વિશેષ નોંધ લીધી હતી. આ ડાંગરની સુગંધ પ્રાકૃતિક કૃષિની સાક્ષી દર્શાવે છે.

તેમજ કોલેજ ખાતે ગત ઋતિમાં કરેલ તુવેર ની ઊંચાઈનું અવલોકન લેતા સરેરાશ તમામ છોડમાં તેની ઊંચાઈ ૨.૦ થી ૨.૬૦ મીટર, તેનો ઘેરાવો ૧૦-૧૨ મીટર અને તેમાં કુલ ૧૨-૧૫ બ્રાન્ચ માળી આવી. સાથે હાલ તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાલ આવેલ છે.જેમાં કોઈ પણ પ્રકારનો રોગ કે જીવાત જોવા મળી નથી. સાથે આ તમામ પ્લોટ અને મિશ્ર પાકના મોડેલ ફાર્મમાં દરેક ૬-૭ દિવસના ગાળામાં જીવામૃત પિયાતમાં તેમજ છંટકાવના રૂપે આપવામાં આવે છે. જેથી પાકને તમામ પ્રકારના રોગ -જીવાત સામે તો રક્ષણ મલેજ છે તેમજ તે પાકના તમામ પોષક તત્વોની પુર્તતા કરે છે.

આ પ્રાકૃતિક ખેતીના પરિણામ મેળવવા માટે દરેક ખેડૂતોને તમામ પ્રાકૃતિક કૃષિના આયામ એક સાથે ઉપયોગમાં લેવા માટે હાકલ કરવામાં આવી છે. જેમાં બીજને પેટ ચડાવવા માટે બીજમૃત, પાક પોષણ માટે જીવામૃત અને ધનજીવામૃત તેમજ મિશ્રપાક, આચ્છાદન, વાફસા અને રોગ જીવાત માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દસપર્ણી જેવા અસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. જેના અનેક સફળ દાખલાઓ હાલ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ત્યાં માળી આવ્યા છે

Related Posts