અમરેલી

સાવરકુંડલામાં ખનીજ માફિયાઓ બેફામ. તંત્રની નિષ્ક્રિયતા પર લોકો તરેહ તરેહની ચર્ચાઓ કરતાં જોવા મળે છે… ગૌચરની જમીનનું ચીરહરણ

​”ડુંગરા ખોતરાય ને જૂઓ તંત્ર ઊંઘતું લાગે છે,

જાણે લૂંટારુઓ સાથે કોણ કોનું સગું લાગે છે;

ધરાનું ચીરહરણ કરી બેફામ બનતા એ ક્રૂર હાથોને 

છીનવતાં એ તૃણભૂમિને હવે 

થયું છિન્ન ભિન્ન ભોજન અમારું.. બન્યું વેરાન સાવ સ્મશાન સમું જાણે કાલરાત્રિનું એવું ગ્રહણ લાગે છે. 

-” પાંધીસર “

સાવરકુંડલા પંથકમાં છેલ્લા લાંબા સમયથી ખનીજ માફિયાઓએ કાયદાનો ડર નેવે મૂકીને આતંક મચાવ્યો છે. શહેરથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલા મહુવા-અમરેલી બાયપાસ પાસે સરકારી ગૌચરની જમીન અને કુદરતી ડુંગરાઓ પર રાત-દિવસ જેસીબી (JCB) અને ડમ્પરના રાક્ષસી પંજા ફરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આખી લૂંટ વહીવટી તંત્રના નાકની નીચે ચાલી રહી હોવાની ચર્ચાઓ થાય છે અને જવાબદાર વિભાગો ‘કુંભકર્ણ’ની નિદ્રામાં હોય તેમ જણાય છે.

​સ્થાનિક જાગૃત પર્યાવરણ પ્રેમીઓના જણાવ્યા અનુસાર, બાયપાસ પાસે આવેલા રળીયામણા ડુંગરોને કાપીને ભૂમાફિયાઓ કરોડોની ખનીજ સંપત્તિ ચોરી રહ્યા છે.  મૌખિક રજૂઆતો કરવા છતાં મામલતદાર કચેરી કે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અધિકારીઓના આ મૌન પાછળ કોઈ અઘોષિત મિલીભગત છે કે કેમ? તેવા સવાલો હવે જનતામાં ઉઠી રહ્યા છે. સરકારી મિલકત લૂંટાઈ રહી છે છતાં મહેસૂલ વિભાગ આંખ આડા કાન કરી રહ્યો હોય તેવું લાગે છે. 

​ગાયોના ચરિયાણ માટે ફાળવવામાં આવેલી ગૌચરની જમીન આજે ખનીજ માફિયાઓ માટે સોનાની લગડી બની ગઈ છે. ડુંગરોના છેદન અને ઊંડા ખાડાઓને કારણે સ્થાનિક પર્યાવરણને તો નુકસાન થયું જ છે, પરંતુ મુંગા પશુઓ માટે આ વિસ્તાર હવે ‘સ્મશાન’ સમાન બની ગયો છે. નોંધનીય છે કે, એકવાર ગૌચરની જમીન ખોદાઈ ગયા પછી ત્યાં ફરી ઘાસ ઉગતા વર્ષો નીકળી જાય છે, જેના કારણે ખરા અર્થમાં ગૌચર એ ગૌચર કહેવાય કે કેમ?? એના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે.

​આ સંદર્ભે યુધ્ધના ધોરણે સંલગ્ન તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી, પંચનામું કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવું પર્યાવરણપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે. પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.એવું જાણવા મળે છે. તંત્ર શા માટે હજુ પણ માફિયાઓ સામે નતમસ્તક રહેતું હશે? એ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. . હવે જોવાનું એ રહે છે કે સાવરકુંડલાનું વહીવટી તંત્ર જાગશે કે પછી માફિયાઓને છાવરવાનું ચાલુ રાખશે? સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે 

​તંત્રની રહેમનજર હેઠળ સરકારી તિજોરીને લાખોનો ચૂનો કોણ લગાડે છે?

Related Posts